સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં OBC અનામત નક્કી કરવા રચાયેલા પંચની મુદ્દત વધારાઈ
જસ્ટિસ ઝવેરી કમિશનની 12 માર્ચ સુધી મુદ્દત વધારી આપવામાં આવી
આ પંચની રચના કરાઈ ત્યારે 90 દિવસમાં રિપોર્ટ આપવા સૂચન કરાયું હતું
ગાંધીનગર, 14 ફેબ્રુઆરી 2023 મંગળવાર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પછાત વર્ગોના પ્રતિનિધિત્વને લઈને રાજ્ય સરકારે નિવૃત્ત જસ્ટીસ કે.એસ.ઝવેરીની અધ્યક્ષતામાં પંચની રચના કરી હતી.આ પંચના અધ્યક્ષ તરીકે ગુજરાત હાઇકોર્ટના નિવૃત ન્યાયાધિશ કે.એસ. ઝવેરીની નિમણૂંક કરાઈ હતી. હવે રાજ્ય સરકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં OBC અનામત નક્કી કરવા માટે રચાયેલા જસ્ટિસ ઝવેરી કમિશનની 12 માર્ચ સુધી મુદ્દત વધારી આપવામાં આવી છે. આ પંચની રચના કરાઈ ત્યારે 90 દિવસમાં રિપોર્ટ આપવા સૂચન કરાયું હતું.
જુલાઈ 2022માં પંચની રચના કરાઈ હતી
જુલાઈ 2022માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સ્વતંત્ર પંચની રચના કરવાનો નિર્ણય કર્યો હતો. આ પંચ સ્થાનિક સ્વરાજ્યના એકમોમાં પછાત વર્ગોની બેઠકો નક્કી કરતા પહેલાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પછાતપણાના સ્વરૂપ અને અસરોનો તેમજ તેની રાજનીતિક સ્થિતી અનુસાર આંકડા એકત્ર કરીને અને તેનું વિશ્લેષણ કરી સંપૂર્ણ અને કાળજીપૂર્વકનો અભ્યાસ કરવા માટે રચવામાં આવેલુ છે. આ સ્વતંત્ર પંચની ભલામણોના આધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા મુજબ લોકલ બોડી વાઇઝ અનામત પ્રમાણને નક્કી કરવાનો સુપ્રિમ કોર્ટે નિર્દેશ આપેલો છે.
કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશએ CMને પત્ર લખ્યો હતો
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં OBC અનામતને લઇને ઉનાના ધારાસભ્ય પૂંજા વંશએ CMને પત્ર લખ્યો હતો. પૂંજા વંશે પત્રમાં જણાવ્યું હતું કે, 'ચૂંટણીપંચે કલેક્ટરને પાઠવેલા પત્ર મુજબ 10 ટકા OBC અનામત નહીં રહે. 2021માં મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશે OBC અનામતના અમલ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને સમિતિ રચી વસ્તીના આધારે માપદંડ નક્કી કરવાનો આદેશ આપ્યો હતો.પરંતુ 6 મહિના બાદ પણ રાજ્ય સરકારે કોઈ કાર્યવાહી નથી કરી. ત્યાર બાદ જુલાઈ 2022માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સ્વતંત્ર પંચની રચના કરવાનો નિર્ણય કર્યો હતો.