આણંદ જિલ્લામાં બપોરે બે વાગ્યે જ ગરમી 40 ડિગ્રીને પાર
- ત્રણ દિવસ રાહત બાદ ગરમીનો બીજો રાઉન્ડ
- પખવાડિયા દરમિયાન મહત્તમ તાપમાન ૪૨થી ૪૫ ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના
આણંદ : આણંદ જિલ્લામાં બે-ત્રણ દિવસ ગરમીમાં મળેલી રાહત બાદ ફરી એક વખત કાળઝાળ ગરમી શરૂ થઈ છે. મંગળવારે બપોરે ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર થઈ ગયો હતો. ત્યારે આગામી પખવાડિયા દરમિયાન પારો ૪૨થી ૪૫ ડિગ્રીની વચ્ચે રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
આણંદ કૃષિ હવામાન વિભાગના અહેવાલ અનુસાર સોમવારે મહત્તમ તાપમાન ૪૦ અને લઘુત્તમ ૨૧.૬ ડિગ્રી રહ્યું હતું. જ્યારે ૧૧ ટકા ભેજ સાથે ૭.૫ પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાયો હતો. જ્યારે મંગળવારે સવારે ૧૧ કલાકે તાપમાનનો પારો ૩૫ ડિગ્રીએ પહોંચ્યો હતો. ૧૧ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો. બપોરે બે વાગ્યા સુધીમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર થઈ ગયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ૧૪ દિવસ સુધી કાળઝાળ ગરમી પડી શકે છે. ગરમીનો પારો ૪૨થી ૪૫ ડિગ્રી જવાની અને પવનની ગતિ ૧૮થી ૨૮ પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે.
આણંદ જિલ્લામાં બપોરના સમયે બજારો સુમસામ થઈ જવાના લીધે વ્યાપારીઓમાં પણ ગ્રાહકોના અભાવે ચિંતા જોવા મળી રહી છે. મોડી સાંજે ઠંડક પ્રસરતા જિલ્લાના શહેરોમાં માર્ગ પર ચહલપહલ વધુ જોવા મળે છે. ઠંડા પીણા, આઈસક્રીમ પાર્લરો પર ઘરાકી વધુ જોવા મળે છે.
આણંદ જિલ્લામાં એકાએક ગરમી વધવાના હવામાન ખાતાના અહેવાલથી ફરી એક વખત ચરોતરના લોકોએ ગરમી સહન કરવાની તૈયારીઓ રાખવી પડશે.