વડોદરા: તાપમાનનો પારો ઘટ્યો પરંતુ પવનની ગતિ પાંચ કિ.મીની થતા ઠંડીનો ચમકારો વધ્યો
હવામાનમાં લઘુતમ તાપમાનનો પારો સડસડાટ ૫.૨ અંશ ડિગ્રી એકાએક ઘટી જવા સહિત ઉત્તરીય ઠંડા પવન પ્રતિ કલાક ૫ કીમીની ઝડપે ફુંકાતા આજે સવારથી જ ઠંડા પવન સહિત ખુશનુમાં ઠંડીનો ચમકારાનો અનુભવ થયો હતો.
ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ-છ દિવસથી તાપમાનનો પારો ૧૬-૧૭ અંશ ડિગ્રી રહેવા સહિત પવનની ગતિ પ્રતિ કલાક ૨-૩ કિમીની રહી હતી. પરિણામે સવારથી જ સામાન્ય ગરમી સહિત બપોરે પંખા ચાલુ કરવાની ફરજ પડતી હતી. જ્યારે સાંજે પુન: સામાન્ય ઠંડી જણાતી હતી. આમ બેવડી ઋતુના કારણે ખાંસી શરદીના દર્દીઓમાં વધારો થયો હતો. સવારે સામાન્ય ઠંડી અને સાંજે સામાન્ય ઠંડી જ્યારે બપોરે ગરમી જેવી એક સિઝનમાં ડબલ રૂતુનો અહેસાસ થતાં હવે લગભગ શિયાળાની ઋતુ સમાપ્ત થયાનું અનુમાન સેવાતુ હતું. પરંતુ આજે નીચેના તાપમાનનો પારો એકાએક ગગડી જતા ફરી એકવાર હજી શિયાળાની ઋતુ સમાપ્ત નહીં થયાનું લાગી રહ્યું છે. જોકે આજે તાપમાનમાં એકાએક ઘટાડો થતાં વહેલી સવારે કામ ધંધે અને નોકરીએ જતા લોકોને ઉની વસ્ત્રો પહેરીને વાહન પર જવાની ફરજ પડી હતી જ્યારે ટુ-વ્હીલર ચાલકોએ પોતાનું વાહન ધીમે ચલાવવાની પણ ફરજ પડતી હતી. હવે એવું લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં ફરી એકવાર ઉષ્ણતામાનનો પારો ઘટવા સહિત ઠંડા પવન પણ ફુકાવાની શક્યતા નકારી શકાતી નથી. આમ આગામી દિવસોમાં ઠંડી વધવાની શક્યતા સેવાય રહી છે.