પોરબંદરના ભોદ ગામે 700 કિલો અનાજનો જથ્થો તંત્રે સીઝ કર્યો
દુકાનદારનો સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ : વજનમાં ઓછુ અનાજ-ખાંડ આપી વધુ પૈસા લેવાની ફરિયાદ બાદ મામલતદારે દરોડો પાડી ચોખા, ચણા, ઘઉં, ખાંડનો જથ્થો સીઝ કર્યો
પોરબંદર, : પોરબંદરના ભોદ ગામે સસ્તા અનાજનો લાયસન્સદાર વેપારી રાશનનો અપૂરતો જથ્થો આપી વધુ નાણા પડાવતો હોવાનો વીડિયો વાયરલ થયા બાદ હરકતમાં આવેલા પુરવઠા તંત્રે દરોડો પાડી ઘઉં, ચોખા, ચણા, ખાંડનો 700 કિલો જથ્થો સીઝ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. આ વખતે લાયસન્સદારે ગ્રામ પંચાયતના કોમ્યુનિટી હોલમાં જથ્થો છુપાવ્યો હોવાનું સામે આવ્યું હતું.
વેરાવળ ખાતે કુરિયરનો વ્યવસાય કરતા રામજીભાઈ અરજનભાઈ ટુકડીયા ભાદ ગામે તા. 22-10ના સસ્તા અનાજના દુકાનદાર ડાયાભાઈલાખાભાઈ ઘેલીયાને ત્યાં માલ લેવા માટે ગયા હતા અને ઓનલાઈન ફીંગર આપ્યા હતા. જેમાં 15 કિલોની જગ્યાએ 13 કિલો 800 ગ્રામ ઘઉ આપ્યા હતા તથા બે કિલો ખાંડના પચાસ રપિયા લીધા હતા. ચોખા 17 કિલો 500 ગ્રામના પૈસા લીધા ન હતા અને તેલના પાઉચના 120 રા. લીધા હતા. આ જથ્થો લેતા હતા ત્યારે દુકાનમાં માલ લેવાની વીડિયો પોતાના મોબાઈલમાં રામજીભાઈ ટુકડીયાએ ઉતાર્યો હતો. તેથી દુકાનદાર વીરાભાઈએ તેમને વીડિયો ઉતારવાની ના પાડી હતી કારણ કે આ દુકાનમાંથી બારોબાર માલ વહેચાઈ જતો હોવાની આશંકા હતી. માલ ઓછો અને પૈસા વધુ લેવાયા હોવાથી મોબાઈલમાં વીડિયો ઉતાર્યો હતો અને અન્ય એક ફોન માથાકૂટ થઈ તેમાં તૂટી ગયો હતો. તેથી અંતે રામજીભાઈ ટુકડીયાએ રાણાવાવ મામલતદારને લેખિત ફરિયાદ કરીને આ દુકાનદાર ડાયા લાખા ઘેલીયા ગેરવર્તણુક કરે છે અને ઓછો માલ આપે છે. તેમ જણાવીને પગલા લેવા માંગ કરી હતી અને તે અંગેનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો.
રાણાવાવ મામલતદારે ફરિયાદના આધારે દુકાનમાં તપાસ કરી હતી. જેમાં 410 કિલો ચોખા, 100 કિલો ઘઉં, 75 કિલો ચણા, 40 કિલો ખાંડ, 24 લીટર તેલ, 139 કિલો મીઠુ વગેરે મળી કુલ રા. 18760ની કિંમતનો સસ્તા અનાજનો જથ્થો સીઝ કર્યો હતો. એટલું જ નહી પરંતુ ગ્રામ પંચાયતના કોમ્યુનિટી હોલમાં પણ તેણે અનાજનો જથ્થો રાખ્યાની જાણ થતાં ત્યાંથી પણ જથ્થો મળી આવ્યો હતો. આથી અધિકારીઓ ચોંકી ઉઠયા હતા અને આગળની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.