ઐતિહાસિક ધરોહર સમાન સોન કંસારીના ડેરાનાં જતન અને જાળવણીમાં તંત્ર નિષ્ફળ
બરડા ડુંગર મધ્યે આવેલા 13 મંદિરોમાંથી માંડ 6 મંદિર બચ્યા મોટાભાગના ડેરા ખંડેર બન્યા : દીવાલો ઉપર અને આજુબાજુ ઝાડી- ઝાંખરા ઉગી નીકળ્યા : પુરાતત્વ ખાતાંએ આરક્ષિત સ્મારકનું બોર્ડ મુકી સંતોષ માન્યો
પોરબંદર,: પોરબંદરથી 45 કિ.મી. દૂર બરડા ડુંગરની ગોદમાં આવેલ ઐતિહાસિક ઘુમલી નગરીના ઉપરના ભાગે આશાપુરાનાં મંદિરથી અંતરિયાળ વિસ્તારમાં આવેલા ડુંગરો વચ્ચેના ઐતિહાસિક સોનકંસારીના ડેરા તરીકે ઓળખાતા મંદિરોના સમૂહની જાળવણીમાં પુરાતત્વ ખાતુ અને રાજ્ય સરકાર ઉણા ઉતરતા 13 મંદિરોમાંથી માંડ 6 મંદિર બચ્યા છે અને તેની દિવાલો પણ જર્જરીત છે તો તમામ મંદિરોની આજુબાજુમાં તથા અંદર ઝાડી-ઝાંખરાનું જંગલ ઉગી નિકળ્યું હોવાથી અહીંયા આવતા પ્રવાસીઓ પણ સરકારની નીતિ સામે આશ્ચર્ય સાથે રોષ ઠાલવતા જોવા મળ્યા હતા.
સોનકંસારીના આ ડેરાનો ભવ્યાતિભવ્ય ઇતિહાસ છે. પુરાતત્વવિદ અને લેખક નરોતમ પલાણ જણાવે છે કે, ગુજરાતના મંદિર સ્થાપત્યોના ગુ્રપમાં આ સોનકંસારીના ડેરાનો મંદિરસમુહ અનન્ય છે અને તેની કોતરણી દુર્લભ છે. સુવર્ણકાંસારમાંથી સોનકંસારી નામ પડયું છે. 9 મી સદીથી 14મી સદી વચ્ચે બંધાયેલા આ મંદિરો સાથે સોનકંસારી નામની યુવતિ સતિ થઇ ગઇ તેની કથા પણ મોજુદ છે. સોનકંસારી મંદિર સમુહમાં પ્રાચીન ગણાતુ એક નંબરનું મંદિર શક્તિ મંદિર મનાય છે. આ મંદિરોના સમુહની વિશિષ્ટતા એ છે કે, તેમા અલગ-અલગ શૈલીની કોતરણીના નમુના છે. આ મંદિર સમુહની આજુબાજુમાં પ્રાકૃતિક સૌંદર્ય અને ડુંગરોમાંથી વહેતા ઝરણા સોનકંસારીના ડેરા પાસે તળાવમાં ખળખળ વહેતા એકઠા થાય ત્યારે નયન રમ્ય દ્રશ્ય સર્જાય છે. નાના-મોટા 13 મંદિરોમાંથી અત્યારે હવે માંડ 6 મંદિરો સાજા રહ્યા છે અને તેમાં પણ દીવાલોમાં તિરાડો જોવા મળી રહી છે.
ડેરાની જાળવણી જેના ઉપર જવાબદારી છે તે પુરાતત્વ ખાતુ સ્થળની જાળવણીમા ઘોર બેદરકારી દાખવતુ હોય તેવુ અનુભવાઇ રહ્યું છે. અહીંયા આવતા પ્રવાસીઓ સોનકંસારીના ડેરાની ખંડેર જેવી હાલત જોઇને તંત્રને સંભળાવતા નજરે ચડે છે. બરડા ડુંગર મધ્યે આવેલ 13 મંદિરોના નાનામોટા સમુહ પુરાતત્વ ખાતા હસ્તકના છે તે પ્રકારના અલગ અલગ બોર્ડ જુદા જુદા ડેરા પાસે વર્ષો પહેલા સરકારે મુકી દીધા છે પરંતુ બોર્ડ મુકી દેવાથી સ્મારકની જાળવણી થઇ જાય ખરી ?! તેવા સવાલો ઉઠયા છે.