સુદર્શન બ્રિજનાં ઉદઘાટન વેળાની અનેક બસો તંત્રએ ધીમે પગલે બંધ કરી દીધી
ઓખા પંથકમાં ખાનગી વાહનોને S.T. વિભાગ દ્વારા પરોક્ષ સહયોગ : ઓખા- મોડાસા, ઓખા-માંડવી, ઓખા- રાજકોટ જેવી અનેક બસો દ્વારકા સુધી ટૂંકાવી દેવાઈ , ઓખા દ્વારકા વચ્ચે દર એક કલાકે શટલ બસ દોડાવવાની વાત હવામાં ઊડી ગઈ
ઓખા, : અહી જયારે સિગ્નેચર બ્રિજનું ઉદઘાટન કરવામાં આવ્યું ત્યારે બેટદ્વારકા ઓખા વચ્ચે સવારથી સાંજ સુધી દર એક એક કલાકે શટલ બસ ચાલુ કરવાની વાતો કરાયા બાદ આ બસ તો ઠીક અહી અગાઉ શરૃ કરાયેલ અનેક બસ રૃટો એક પછી એક બંધ કરાતા લોકોને એમ લાગી રહ્યું છે કે આ બધી ગતિવિધિ ખાનગી વાહનોને ટેકો આપવા માટે થઈ રહી છે.
દ્વારકા ઓખા વચ્ચે સરકારી તંત્રે દર એક કલાકે શટલ બસ મળે એવું આયોજન થયાના બણગાં ફૂક્યા હતા. એ બસો આજે લાંબો સમય વીતી જવા છતાં ચાલુ કરી નથી લોકો છેતરાયાની અનુભૂતિ કરી રહ્યા છે. ઓખાથી રાજકોટ વચ્ચે દોઢા ભાડાથી ખાનગી બસો સવારથી સાંજ સુધી દોડતી જ રહે છે જયારે એસટી તંત્ર એક પછી એક બસ બંધ કરીને ગૌરવ અનુભવી રહ્યું હોય એવો તાલ સર્જાયો છે. અગાઉ ઓખા- મોડાસા, ઓખા-માંડવી, ઓખા- રાજકોટ જેવી અનેક બસો ફુલ ટ્રાફિક સાથે દોડતી હતી. પણ આ બસોને હવે ઓખા સુધી લાવવામાં આવતી નથી તેમજ બસોને ટૂંકાવી દ્વારકા સુધીની કરી નાખવામાં આવી છે. નવાઈની વાત એ છે કે ઓખા દ્વારકા, સુરજકરાડી દ્વારકા વચ્ચે મધ્યમ કદના અનેક ખાનગી વાહનો દોડે છે. અને ધોમ આવક કરે છે જયારે એસ.ટી તંત્ર સુવિધા આપવા કે બિઝનેસ કરવા ઈચ્છુક નથી ! ઓખામાં બે આવક જાવકના દ્વાર છે જેમાંથી એક બંધ કરીને અસુવિધા ઉભી કરી છે. આવા અનેક પ્રશ્નો છે. પણ તેનો કોઈ ઉકેલ લાવતા નથી. ઓખાને જાણે કે સૌથી નોખા રાખવાની અભિગમ અપનાવાયો છે. એક લોકો બોલી રહ્યા છે.