હાઇડ્રોમાં સતત પાણી છોડાતા ઉકાઇ ડેમની સપાટી ઘટીને 344.87 ફુટ
પાણીની આવક બંધ થયા બાદ પણ હાઇડ્રો અને ખેતીપાક માટે 6,000 ક્યુસેક પાણી છોડવાનું ચાલું રખાયું
સુરત,તા. 31 ઓકટોબર, 2020, શનિવાર
ઉકાઇ ડેમ છલોછલ ભરાયા પછી પણ વગર વરસાદે ડેમમાં સતત પાણીની આવક આવતી રહેતી હોવાથી સતાધીશો ડાબા અને જમણા કાંઠા નહેરમાં ખેતીપાક માટે સતત પાણી છોડાતુ હોવાથી ડેમની સપાટી ધીરે ધીરે ઘટાડો થઇને આજે 344.87 ફૂટ નોંધાઇ હતી.
ઉકાઇ ડેમના નક્કી કરેલા રૃલલેવલ મુજબ 30 મી સપ્ટેમ્બર સુધી ડેમની સપાટી ૩૪૫ ફૂટ સુધી હોવી જોઇએ. આ રૃલલેવલ મુજબ જ આ વર્ષે 30 મી સપ્ટેમ્બરે ડેમ સંપૂર્ણ ૩૪૫ ફૂટ સુધી ભરાઇ ગયો હતો. જો કે ત્યારબાદ આજે એક મહિના થવા આવ્યો હોવા છતા 14,000 થી લઇને 1,000 કયુસેક સુધીની પાણીની આવક ચાલુ જ રહી છે. બીજી તરફ સતાધીશો ડેમ ફુલ ભરાયેલો હોવાથી જરૃરિયાત મુજબ હાઇડ્રોમાં કે પછી ડાબા અને જમણા કાંઠા નહેરમાં પાણી છોડવાનું ચાલુ રાખીને સપાટી 345 ફૂટ થી ઉપર જવા દેવાઇ નથી. આજે પણ 6,000 કયુસેક પાણીની આવક સામે આટલુ જ પાણી છોડવાનું ચાલુ રખાયુ હતુ.
દરમ્યાન ઉકાઇ ડેમમાંથી સતત પાણી છોડવાના કારણે ઉલ્ટી પ્રકિયા મતલબ કે ડેમની સપાટીમાં ઘટાડો થવાની શરૃઆત થઇ ગઇ છે. આજે મોડી સાંજે ઉકાઇ ડેમની સપાટી 345 ફૂટ થી ઘટીને 344.87 ફૂટ નોંધાઇ હતી. જયારે 6,000 કયુસેક ઇનફલો-આઉટફલો નોંધાયા હતા.