વિદ્યાર્થિનીઓ વર્ગમાં ભણતી હતી શિક્ષિકાઓ તાળું મારી જતી રહી
- ખેડાના નવાગામની પ્રાથમિક કન્યાશાળામાં
- શાળામાં તપાસ કર્યા વગર જ શિક્ષિકાઓ ઘરે જતી રહી ગભરાયેલી બાળાઓને આસપાસના લોકોએ બહાર કાઢી
નડિયાદ : ખેડાના નવાગામમાં પ્રાથમિક કન્યાશાળામાં વિદ્યાર્થિનીઓ વર્ગમાં બેસી રહી રહી અને શિક્ષિકાઓ ઘરે જવાની ઉતાવળમાં જાપાને તાળું મારી જતા રહ્યા હતા. ગભરાયેલી વિદ્યાર્થિનીઓએ બૂમાબૂમ કરતા આસપાસના લોકોના ટોળાએ જાપાનું તાળું ખોલી બહાર બાળાઓને બહાર કાઢી હતી. સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ખેડા જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત ખેડા તાલુકાના નવાગામ ખાતે પ્રાથમિક કન્યા શાળામાં ધોરણ ૧થી ૮ના વર્ગોમાં પાંચ શિક્ષિકાઓ ફરજ બજાવે છે. ગત તા. ૧૦મી ડીસેમ્બરે પાંચ શિક્ષિકાઓ પૈકી શાળાના આચાર્ય ઓડિટમાં ગયા હતા. જયારે બીજા બે તાલીમમાં ગયા હતા. તેમજ અન્ય બે શિક્ષિકાઓ શાળામાં હાજર હતા. શાળા નિત્યક્રમ પ્રમાણે ચાલતી હતી. બીજા માળે ધો.-૭ના વર્ગમાં ૧૭ વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે. સાંજે પાંચ વાગ્યા બાદ શાળા બંધ થઈ હતી. શાળાની શિક્ષિકાઓ તમામ વિદ્યાર્થી શાળામાંથી બહાર નીકળ્યા કે નથી તે તપાસ્યા વગર શાળાના જાપે તાળું મારી જતા રહ્યા હતા. ધો.-૭ની ૧૨ વર્ષની બાળાઓ પાંચ વાગ્યા બાદ હજી શાળા કેમ છૂટી નથી તે જોવા વર્ગમાંથી બહાર આવીને નીચે આવી તો શાળાને તાળું મારેલું હતું. જે જોઈ વિદ્યાર્થિનીઓ ગભરાઈ ગઈ હતી. બાદમાં બૂમાબૂમ કરતા આજુબાજુના લોકોનું મોટું ટોળું ભેગું થઈ ગયું હતું. બાદમાં ગણતરીના સમયમાં જ ચાવી મંગાવીને તાળું ખોલી વિદ્યાર્થિનીઓને બહાર કઢાઈ હતી.
આવી ગંભીર ભૂલના લીધે વાલીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા. શિક્ષકોની ઘરે જવાની ઉતાવળ કે અન્ય કોઈ કારણ તે બાબતે જિલ્લા શિક્ષણ વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
શિક્ષિકાઓની બેદરકારી છે, લેખિત ખૂલાસા લેવાયા છેઃ આચાર્યા
શાળાના આચાર્ય ભગરથીબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ગત ૧૦મી ડિસેમ્બરે બે શિક્ષિકાએ શાળાનું સંચાલન કર્યું હતું. હાજર શિક્ષિકાઓએ તપાસ કર્યા વગર જ શાળાના જાપે તાળું મારી દીધું હતું. ઈલેક્ટ્રીક બેલ પણ બે શિક્ષિકા હોવાથી ચાલુ કરવામાં આવ્યો નહોતો. ફરજ પરની બે શિક્ષિકાની બેજવાબદારી છે. એમને કડક સૂચના આપી, ખુલાસા લેખિતમાં લેવાય છે અને ઉપલી કચેરીએ પણ જાણ કરી છે.
જવાબદાર સામે પગલાં ભરાશે -જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશભાઈ વાઘેલાએ કહ્યું હતું કે, આ અંગે માહિતી અમને મળી છે. જેથી તાત્કાલિક ધોરણે આ સમગ્ર પ્રકરણની તપાસ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને સોંપવામાં આવી છે. તેઓની પાસે રિપોર્ટ મંગાવાયો છે. જે આવતા જ કસૂરવાર શિક્ષકોની સામે કાર્યવાહી કરવામાં આવશે.
ઠંડીના લીધે વર્ગખંડનો દરવાજો આડો કર્યો હતો : વિદ્યાર્થિની
શાળાની ધો.-૭ની વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, વર્ગખંડમાં અમે દાખલા ગણતા હતા. ઠંડીના લીધે વર્ગખંડનો દરવાજો આડો કરેલો હતો. શિક્ષિકાએ અન્ય વિદ્યાર્થિનીને ઉપર જોવા મોકલી હતી પરંતુ, દરવાજો આડો હોવાથી માલૂમ ન પડયું, રાષ્ટ્રગીત પણ ન ગવાયું જેથી સમય ઘણો થતા નીચે આવ્યા ત્યારે જાપાને તાળું હતું.