SOUને જોડતા સ્ટેટ હાઇવે હાઇસ્પીડ કોરિડોર તરીકે ડેવલપ કરાશે

કેવડિયાકોલોની સુધી વાહનો કોઇપણ અડચણ વગર પહોંચી જશે ઃ સરકારની મંજૂરી બાદ પ્રાથમિક તબક્કે ચાલી રહેલું કામ

Updated: Nov 13th, 2023


Google NewsGoogle News
SOUને જોડતા સ્ટેટ હાઇવે હાઇસ્પીડ કોરિડોર તરીકે ડેવલપ કરાશે 1 - image

વડોદરા, તા.13 મધ્ય ગુજરાતના સૌથી મોટા પર્યટન સ્થળ સ્ટેચ્યૂ ઓફ યૂનિટિને જોડતા સ્ટેટ હાઇવેને હાઇ સ્પીડ કોરિડોર તરીકે ડેવલપ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે. હાઇસ્પીડ કોરિડોર માટેની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરાશે તેમ જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે કેવડિયાકોલોની ખાતે સ્ટેચ્યૂ ઓફ યૂનિટિને જોડતા વડોદરા, ભરૃચ, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં આવેલા સ્ટેટ  હાઇવેને ડેવલપ કરવામાં આવ્યા છે. એસઓયુને જોડતા હાઇવેને ફોર લેન બનાવ્યા બાદ તેનાથી વધુ એક કદમ આગળ વધીને હવે આ સ્ટેટ  હાઇવેને હાઇસ્પીડ કોરિડોર બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટિ તરફ જવા માટે સૌથી વધારે વાહનોનો ટ્રાફિક અંકલેશ્વર-રાજપીપળા તેમજ વડોદરા-કેવડિયાકોલોની વચ્ચેના હાઇવે પર હોય છે.

આ સ્ટેટ હાઇવેને હજી વધુ સુધારા કરીને વાહનોને કોઇ અડચણ ના થાય તેવી સુવિદ્યા આપવા માટેની ગણતરી હાથ ધરવામાં આવી છે. હાઇસ્પીડ કોરિડોર તરીકે ઓળખાતો તે સ્ટેટ હાઇવે એક્સપ્રેસ હાઇવેની સમકક્ષ હશે જેના પરથી સ્ટેચ્યૂ ઓફ યૂનિટિ તરફ જતા વાહનોને રસ્તામાં કોઇપણ અડચણ વગર સરળતાથી ઓછા સમયમાં પહોંચી શકાય તેવી સુવિદ્યાઓ ઊભી કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ  હાઇવેને હાઇસ્પીડ કોરિડોરમાં રુપાંતરિત કરવા માટે હાલ ડીપીઆર બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં સરકાર દ્વારા તેની જાહેરાત થવાની સંભાવના છે.

સ્ટેટ હાઇવે હાઇસ્પીડ કોરિડોર બનતાની સાથે જ અત્યારે સ્ટેટ હાઇવે પર અકસ્માત માટે ગંભીર કહી શકાય તેવા જે બ્લેક સ્પોટ છે તેને પણ દૂર કરી દેવાશે. હાલમાં  હાઇસ્પીડ કોરિડોર માટે પ્રાથમિક તબક્કે કામગીરી ચાલી રહી છે પરંતુ સ્ટેચ્યૂ ઓફ યૂનિટિને જોડતો કોરિડોર હોવાથી તેને લગતું કામ ખૂબ ઝડપથી હાથ ધરાઇ રહ્યું છે.




Google NewsGoogle News