સિહોર, તળાજા અને ગારિયાધાર ન.પા.ની ચૂંટણી માટે તખ્તો તૈયાર
- 27 ટકા ઓ.બી.સી. અનામત સાથે બેઠકો નિર્ધારિત થતા
- મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ થઈ : વાંધા-સૂચનો બાદ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થયા ચૂંટણીની જાહેરાત થવાની સંભાવના
આ અંગેની આધારભૂત સૂત્રો દ્વારા પ્રાપ્ય વિગત અનુસાર સિહોર, તળાજા અને ગારિયાધાર નગરપાલિકાની ચૂંટણી છેલ્લે વર્ષ ૨૦૧૮માં યોજાઈ હતી. તેની સને ૨૦૨૩માં પાંચ વર્ષની મુદ્દત પૂર્ણ થતી હતી પરંતુ નગરપાલિકાઓ સહિતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ૨૭ ટકા ઓ.બી.સી. અનામતની જોગવાઈનો અમલ કરવા માટે નિર્ધારિત સમયે ત્રણેય નગરપાલિકાની ચૂંટણી યોજાઈ નહોતી.
દરમિયાનમાં, જિલ્લાની ત્રણ નગરપાલિકામાં ૨૭ ટકા ઓ.બી.સી. અનામતની જોગવાઈ અંતર્ગત અનામત બેઠકો નિર્ધારિત કરવામાં આવી છે. જેમાં સિહોર નગરપાલિકાના ૯ વોર્ડની કુલ ૩૬ બેઠકોમાં ૧૦ બેઠકો ઓ.બી.સી. માટે અનામત રહેશે. જેમાં ૫ બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. નગરપાલિકામાં અનુસૂચિત જાતિ માટેની ૪ બેઠકોમાંથી ૨ બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે જ્યારે ૨૨ બિન અનામત બેઠકોમાંથી ૧૧ બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. તો તળાજા નગરપાલિકાના ૭ વોર્ડની કુલ ૨૮ બેઠકોમાં ૮ બેઠકો ઓ.બી.સી. માટે અનામત રહેશે. જેમાં ૪ બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. નગરપાલિકામાં અનુસૂચિત જાતિ માટેની ૧ બેઠક છે તે મહિલા માટે અનામત રહેશે જ્યારે ૧૯ બિન અનામત બેઠકોમાંથી ૯ બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. એ જ રીતે ગારિયાધાર નગરપાલિકાના ૭ વોર્ડની કુલ ૨૮ બેઠકોની ચૂંટણીમાં ૮ બેઠકો ઓ.બી.સી. માટે અનામત રહેશે. જેમાં ૪ બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. નગરપાલિકામાં અનુસૂચિત જાતિ માટેની ૨ બેઠકોમાંથી ૧ બેઠક મહિલાઓ માટે અનામત રહેશે જ્યારે ૧૮ બિન અનામત બેઠકોમાંથી ૯ બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે.
હવે ચૂંટણી તંત્ર દ્વારા ગઈ તા. ૧૯ ડિસેમ્બરના રોજ મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવી છે. જેમાં વાંધા-સૂચનો સાંભળ્યા બાદ આગામી સમયમાં મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ થશે. આમ, ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી સંબંધિત વિવિધ પ્રક્રિયાને ઓપ આપવામાં આવી રહ્યો છે. સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી સમયમાં ચૂંટણીની જાહેરાત થવાની સંભાવના પ્રવર્તી રહી છે.