Get The App

પહેલા જ બોલે વેસ્ટ ઇન્ડિઝે વિકેટ ગુમાવતા સ્ટેડિયમ ચિચિયારીઓથી ગુંજી ઉઠયું

દીપ્તિ શર્મા અને રેણુકાસિંઘની અસાધારણ બોલિંગ સામે વેસ્ટ ઇન્ડિઝની ટીમ ઘુંટણિયે પડી જતાં ભારતનો ત્રીજી મેચમાં પણ ભવ્ય વિજય

Updated: Dec 27th, 2024


Google NewsGoogle News
પહેલા જ બોલે વેસ્ટ ઇન્ડિઝે વિકેટ ગુમાવતા સ્ટેડિયમ ચિચિયારીઓથી ગુંજી ઉઠયું 1 - image


વડોદરા : ભારતીય વિમેન્સ ટીમે કોટંબી સ્ટેડિયમ ખાતે વેસ્ટ ઈન્ડિઝ વિમેન્સ સામેની ત્રીજી મેચમાં પ્રભાવી જીત મેળવી, શ્રેણી ૩-૦થી જીતી લીધી છે. દીપ્તિ શર્મા અને રેણુકાસિંઘ ઠાકુરના અસાધારણ બોલિંગ પ્રદર્શન અને બેટરોના સારા પરફોર્મન્સના કારણે, ભારતીય ટીમે ૨૧.૪ ઓવર બાકી હતીને મેચને સમેટી લીધી હતી.

પહેલા જ બોલે વેસ્ટ ઇન્ડિઝે વિકેટ ગુમાવતા સ્ટેડિયમ ચિચિયારીઓથી ગુંજી ઉઠયું 2 - image

વેસ્ટ ઈન્ડિઝની ટીમે આજે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. આ સિરિઝમા સફળ બોલર રેણુકા સિંઘને પ્રથમ બોલે જ સફળતા મળી હતી.  ઓપનર બેટર કિયાના જોસેફ રેણુકા સિંઘના ગુડ લેન્થ બોલને લેગ ગ્લાન્સ પર રમવાની કોશીશ કરતી વખતે બોલ ગ્લોઝ પર લાગી ઉછળ્યો હતો. આ તકનો લાભ લઇને વિકેટ કીપર રિચા ઘોષે જમણી બાજુ જમ્પ લગાવીને કેચ પકડી લેતા પ્રથમ બોલે જ ઝીરો રન સાથે વેસ્ટ ઇન્ડિઝે ઓપનર ગુમાવી હતી. હજુ વેસ્ટ ઇન્ડિઝ આ આઘાતમાંથી બહાર આવે તે પહેલા જ રેણુકા સિંઘે તેની પ્રથમ ઓવરના છેલ્લા બોલમાં વેસ્ટ ઇન્ડિઝ કેપ્ટન હેલી મેથ્યુઝને બોલ્ડ કરી દેતા વેસ્ટ ઇન્ડિઝ ટીમમાં સન્નાટો છવાઇ ગયો હતો.

પહેલા જ બોલે વેસ્ટ ઇન્ડિઝે વિકેટ ગુમાવતા સ્ટેડિયમ ચિચિયારીઓથી ગુંજી ઉઠયું 3 - image

જે બાદ વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓએ ભારતની શિસ્તબદ્ધ બોલિંગ સામે સંઘર્ષ કરવો પડયો હતો, ચિનેલ હેનરીના ૬૧ અને શેમાઈન કેમ્પબેલના ૪૬ વચ્ચે  ૯૧ રનની ભાગીદારી છતાં ૩૮.૫ ઓવરમાં ૧૬૨ રનમાં ટીમ ઓલ આઉટ થઇ ગઇ હતી. આજનો દિવસ ભારતીય ટીમની ઓલ રાઉન્ડર દીપ્તી શર્માના નામે રહ્યો હતો તેણે ૬ વિકેટ ઝડપી પાડી હતી ઉપરાંત ૪૮ બોલમાં એક સિક્સ અને ૩ બાઉન્ડ્રી સાથે ૩૯ રનની હિસ્સેદારી પણ નોંધાવી હતી તો રેણુકા સિંઘે આજે ૪ વિકેટ ઝડપી હતી. છેલ્લી છ વિકેટ ૬૨ રનમાં જ ખડી પડી હતી. જવાબમાં, ભારતે કેપ્ટન હરમનપ્રીત કૌરના ૩૨, જેમિમાહ રોડ્રિગ્ઝના ૨૯ રન અને દીપ્તી શર્માના ૩૯ રન અને રિચા ઘોષના વિસ્ફોટક ૧૧ બોલમાં ૨૩ રન સાથે૨૮.૨ ઓવરમાં ૫ વિકેટે જીત મેળવી લીધી હતી. પ્લેયર ઓફ ધ મેચ દીપ્તી શર્માને જાહેર કરવામાં આવી હતી જ્યારે આ સિરિઝમાં કુલ ૧૦ વિકેટ લેનાર રેણુકા સિંઘને પ્લેયર ઓફ સિરિઝ જાહેર કરવામાં આવી હતી. 

પહેલા જ બોલે વેસ્ટ ઇન્ડિઝે વિકેટ ગુમાવતા સ્ટેડિયમ ચિચિયારીઓથી ગુંજી ઉઠયું 4 - image

 લડત આપી પણ તે પરિણામ બદલવા પુરતી નહતી

રન ઓછા હોવા છતાં, અમારા બોલરોએ સખત લડત આપી અને જીત માટે સંઘર્ષ કર્યો, જો કે તે પરિણામને બદલવા માટે પૂરતું ન હતું. પિચ એકદમ અનુકુળ રહી, પણ મેચના અંત સુધીમાં થોડી ધીમી પડી હતી તેમ છતાં તેની ખરેખર અમને અસર થઈ ન હતી. અમારી બેટિંગે અમને નિરાશ કર્યા, અને અમને સમજાયુ કે ક્રિકેટના મૂળભૂત સિધ્ધાંતો તરફ અમારે પરત ફરવાની જરૃર છે.

- હેલી મેથ્યુઝ (વેસ્ટ ઈન્ડિઝ -કેપ્ટન)

પહેલા જ બોલે વેસ્ટ ઇન્ડિઝે વિકેટ ગુમાવતા સ્ટેડિયમ ચિચિયારીઓથી ગુંજી ઉઠયું 5 - image

 

સખત મહેતનનું પરિણામ સ્પષ્ટપણે મળી રહ્યું છે

રેણુકાસિંઘ ઠાકુર અસાધારણ છે, તેણે નવા બોલ સાથે શાનદાર ટોન સેટ કર્યો છે. આવી રમતો ખરેખર તમારી માનસિકતાની કસોટી કરે છે, અને જેમી, દીપ્તિ તથા રિચાએ જે રીતે મધ્ય ઓવરોને હેન્ડલ કરી તે અમારી તાકાત અને ક્ષમતા દર્શાવે છે. અમારા બોલરો જબરદસ્ત પ્રયાસ લગાવી રહ્યા છે અને તેમની સખત મહેનતનું પરિણામ સ્પષ્ટપણે મળી રહ્યું છે. મને તેમના પર ખૂબ જ ગર્વ છે. 

- હરમનપ્રીત કૌર (ભારતીય -કેપ્ટન)

બેટરોના ઇરાદાઓનું અનુમાન લગાવીને બોલિંગ કરૃ છું

મેં એક સરળ રસ્તો અપનાવ્યો. યોગ્ય ક્ષેત્રોમાં બોલિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને પ્રભાવ પાડવાની મારી તકની રાહ જોતી હતી. મારો ધ્યેય ટીમ માટે સફળતા પ્રદાન કરવાનો હતો, અને તે હાંસલ કરીને હું રોમાંચિત છું. હું હંમેશા બેટરોના ઇરાદાઓનું અનુમાન લગાવીને તે અનુસાર બોલિંગની તૈયારી કરૃ છું, આ રણનીતિ હંમેશા એક અકદમ આગળ રહેવા માટે મદદ કરે છે. આજની મેચમાં એક તબક્કે હું ખરેખર ભુલી ગઇ હતી કે મે કેટલી વિકેટ ઝડપી છે.

- દીપ્તિ શર્મા ( પ્લેયર ઓફ ધ મેચ)

બીસીએ સ્ટેડિયમની પીચે બોલિંગમાં ઘણી મદદ કરી

બીસીએ સ્ટેડિયમની પીચે મારી બોલિંગ માટે ઘણી મદદ કરી. મારી સાથી ખેલાડીઓ મને સતત પ્રોત્સાહિત કરતી રહેતી હતી એટલે સુધી કે તેઓ મારી વિકેટો ઉપર સટ્ટો પણ રમતી હતી (આમ કહીને રેણુકા હસે છે). હવે હું તે સટ્ટાની મજાક માટેનો  પુરસ્કાર (પ્લેયર ઓફ સિરિઝ એવોર્ડ) લેવા માટે આતુર છું. ઓસ્ટ્રેલિયના પ્રવાસ પછી મારી બોલિંગમાં સુધારા માટે બોલિંગ કોચ ઝુલન ગોસ્વામી સાથે મહત્વપૂણ પ્રેક્ટિસ કરી હતી અને તેનું પરિણામ મળ્યુ છે.

- રેણુકા ઠાકુર (પ્લેયર ઓફ ધ સિરીઝ)

પહેલા જ બોલે વેસ્ટ ઇન્ડિઝે વિકેટ ગુમાવતા સ્ટેડિયમ ચિચિયારીઓથી ગુંજી ઉઠયું 6 - image

ભારતીય ખેલાડીઓએ કાળી પટ્ટી પહેરી શોક વ્યક્ત કર્યો

- પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહનું ગુરૃવારે મોડી રાત્રે અવસાન થયુ છે તેમને શ્રધ્ધાંજલિ આપવા માટે અને શોક પાળવા માટે આજની મેચમાં ભારતીય ટીમ હાથ પર કાળી પટ્ટી પહેરીને મેદાન ઉપર ઉતરી હતી.

- સ્ટેડિયમ દર્શકોથી ભરચક થયુ. જરોદ એન્ડ સ્ટેન્ડનો બીજો માળ પણ ખુલ્લો કરવો પડયો. આશરે ૮ હજારથી વધુ દર્શકોએ મેચ નીહાળી.

- દરેક બોલ પર દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળતા ભારતીય ટીમની ખેલાડીઓ પણ ઉત્સાહમાં આવી ગઇ હતી.

- દિવસભર ધુમ્મસ રહેતા પ્રેક્ષકોએ સ્ટેડિયમમાં હિલ સ્ટેશન જેવો માહોલ અનુભવ્યો

- રિચા શર્માએ છેલ્લે બે બોલમાં બે સિક્સ મારીને સિરિઝની જીત નોંધાવી.


Google NewsGoogle News