VIDEO: 45 દિવસ નર્મદા નદીના જળમાં રહેશે, ઉત્તરવાહિની પરિક્રમામાં દુર્ગા ગિરી ગુરુ શ્રી વિશ્વંભરીજીની અનોખી સાધના
Durga Giri Guru Shri Vishwambhariji On Uttarvahini Parikrama : વડોદરાના ડભોઈ તાલુકાનું દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદોદ નર્મદા નદી કિનારે વસેલું છે. પુરાણોમાં આ સ્થળ અનેક ઋષિ મુનિઓના તપ અને ધ્યાનનું કેન્દ્ર રહ્યું છે. જો ગંગા સ્નાનથી પાપ મોક્ષ પ્રદાન થાય છે, તો નર્મદાજીના દર્શન માત્રથી પાપ મોક્ષ પ્રદાન થતું હોવાનું ઋષિ મુનિઓનું માનવું છે. નર્મદા જિલ્લામાં દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદોદ પાસેથી પસાર થતી મા નર્મદા ખાતે ઉત્તરવાહિની પરિક્રમાનો અત્યંત મહિમા છે. ઉત્તરવાહિની પરિક્રમા ચાલી રહી છે, ત્યારે ચાંદોદના ચક્રતિર્થ ઘાટ પાસે દુર્ગા ગિરી ગુરુ શ્રી વિશ્વંભરીજી 45 દિવસ નર્મદા નદીના જળમાં રહીને અનોખી અનુષ્ઠાન તપ સાધના કરી રહ્યા છે. આ તપનો મહિમા એવો છે કે, 45 દિવસ અન્ન જળનો ત્યાગ કરીને 24 કલાક નર્મદા નદીમાં ધ્યાન ધરીને મા નર્મદાની આરાધના કરવામાં આવે છે. આ દરમિયાન મા નર્મદાના દર્શનાર્થે આવતાં અનેક શ્રદ્ધાળુઓ શ્રી વિશ્વંભરીજીને કઠોર તપ કરતાં જોઈને ધન્યતા અનુભવી રહ્યા છે.
ઉત્તરવાહિની પરિક્રમામાં દુર્ગા ગિરી ગુરુ શ્રી વિશ્વંભરીજીનું અનોખી સાધના
રાજ્યના નર્મદા જિલ્લામાં ગત 29 માર્ચ, 2025થી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા શરુ થઈ છે, જે આગામી 27 એપ્રિલ એટલે કે લગભગ એક મહિના સુધી યોજાશે. પરિક્રમમાં હજારો શ્રદ્ધાળુ આવી રહ્યા છે, ત્યારે આ પ્રસંગે અમરેલીના વડિયા તાલુકાના મૂળ બરવાળાના દુર્ગા ગિરી ગુરુ શ્રી વિશ્વંભરીજી ડભોઈના ચાંદોદ તીર્થ ખાતે નર્મદા દર્શનાર્થે આવ્યા છે. ત્યારે ચૈત્રી નવરાત્રિ સાથે નર્મદા પરિક્રમા અવસર પર વિશ્વ અને માનવ કલ્યાણના હેતુ સાથે ગત 28 માર્ચથી 45 દિવસ અન્નજળનો ત્યાગ કરીને શ્રી વિશ્વંભરીજી અનુષ્ઠાન તપ સાધના કરી રહ્યા છે. જેમાં નર્મદાના કેડ સમા જળમાં પદ્માસન મૃદ્રામાં દુર્ગા ગિરી ગુરુ શ્રી વિશ્વંભરીજી સાધના કરી રહ્યા છે.
માતાજી દુર્ગા ગિરી ગુરુ શ્રી વિશ્વંભરીજીના સેવકે જણાવ્યું હતું કે, 'દુર્ગા ગિરી માતાજી આ પહેલાં પણ તેમના મુખ્ય આશ્રમ બરવાળા ખાતે શિવ આરાધના અર્થે શિવરાત્રિથી શિવરાત્રિ વાર્ષિક અનુષ્ઠાન આશ્રમ ખાતે બનેલી ગુફામાં 6થી 7 વખત કર્યા છે. જ્યારે માતાજી દ્વારા 45 દિવસીય નર્મદા અનુષ્ઠાન બાદ દ્વાદશ જ્યોતિર્લિંગના પ્રવાશે જશે અને ત્યાં 12 જ્યોતિર્લિંગ પાસે આવેલા આશ્રમમાં ભૂમિમાં ખાડો કરીને તેમાં 13 મહિનાનો અનુષ્ઠાન કરશે. સોમનાથ બાદ વિવિધ 11 જ્યોતિર્લિંગ ખાતે આ અનુષ્ઠાન થશે, ત્યારે માતાજીને આવી પ્રેરણા અને અનુષ્ઠાન કરવા એ પણ અન્નજળનો ત્યાગ કરીને એ દૈવી શક્તિ મળતી હોય તેવી અનુભૂતિ થઈ રહી છે. વિજ્ઞાન અને સંશોધનકારો માટે પણ અનુષ્ઠાન કઠોર તપસ્યા એક પડકારરૂપી જણાઈ આવે છે.'
મળતી માહિતી મુજબ, પુરાણોમાં એવું કહેવાયું છે કે નર્મદા જ્યાંથી સ્વયમ સાક્ષાત આશીર્વાદ આપતા હોય એવી દક્ષિણ પ્રયાગતિર્થની ચાંદોદ ભૂમિ તપો અને સાધનાની ભૂમિ માનવામાં આવે છે. અહીં અનેક સાધુ-સંતો મહંતો યક્ષ, કુબેર, રાક્ષસ અને પશુ-પક્ષીઓ એ પણ તપસ્યા કરી છે.