સોમનાથની ભૂમિમાં કાળભૈરવનાં પાવનકારી સ્થાનકો આવેલા છે
આજે કાળભૈરવ પ્રાગટય દિન : હોળીના તહેવારોમાં વેરાવળ, સોમનાથમાં કાળ ભૈરવની વિશાળ પ્રતિમાઓ બનાવાય છે
પ્રભાસપાટણ, : કારતક વદ આઠમ એટલે કાળભૈરવનો પ્રાગટય દિન. કાળ ભૈરવ ભગવાન શંકરનો જ અવતાર મનાય છે. સોમનાથની ભૂમિમાં કાળભૈરવના પાવનકારી સ્થાનકો આવેલા છે. કાળભૈરવ જન્મજયંતિ નિમિત્તે તા. 23ના કાળભૈરવ ઉપાસકો હોમ-હવન-દર્શન-પૂજન-ઉપાસના કરશે.
સોમનાથ મહાદેવની પાવનકારી ભૂમિમાં ભગવાન શંકરનો અવતાર એવા કાળભૈરવના સ્થાનકો આવેલાં છે. આજે કારતક વદ આઠમ કાળભૈરવ જયંતિ સોમનાથના કિલ્લાવાળા હનુમાનજી મંદિરમાં કાળભૈરવનું સ્થાન આવેલ છે.સૂર્યકૂંડ પાછળ હનુમાન મંદિરમાં તેમજ ગુડલક સર્કલ પાસેના શનિ મંદિરમાં તથા પ્રભાસપાટણના પાટચકલામાં કાળભૈરવ સ્થાનક આવેલાં છે. આ ઉપરાંત વેરાવળ-પ્રભાસપાટણમાં હોળીના તહેવારોમાં કાળભૈરવની પ્રતિમા બનાવવામાં આવે છે. ગીર સોમનાથના દેલવાડા ગામે પણ કાળ ભૈરવનું મંદિર આવેલું છે. આ મંદિરે કાળભૈરવ જયંતિએ હવન-હોમ-પૂજા-અર્ચના યોજાય છે.