રૂપાલા વિવાદમાં હવે પોસ્ટર વોર શરૂ: ભાજપ કાર્યકરોની પ્રવેશબંધી માટે JCBથી લગાવ્યા બેનર, સુરેન્દ્રનગરમાં સમર્થન
Lok Sabha Elections 2024: રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના નિવેદનને કારણે શરૂ થયેલો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ યથાવત. રાજ્યમાં અનેક ગામોમાં રૂપાલા અને ભાજપનાં કાર્યકરોને ગામમાં પ્રવેશ બંધીનાં બેનર લગાવ્યા છે. જો કે, સુરેન્દ્રનગરમાં પાટીદાર સમાજ પુરશોત્તમ રૂપાલાનાં સમર્થનમાં આવ્યો છે.
રૂપાલા સામે પોસ્ટર વોર
વડોદરાનાં ડભોઈ તાલુકામાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સાઠોદ ગામમાં ભાજપ કાર્યકરોનાં પ્રવેશ પર પ્રતિબંધનાં બેનરો લાગ્યા છે. જેસીબીની મદદથી ગામમાં મુખ્ય પ્રવેશ દ્વાર પર ક્ષત્રિય સમાજે બેનરો લગાવ્યા છે. આ ઉપરાંત સુરતનાં ગ્રામ્ય વિસ્તારમાં રૂપાલાનાં વિરોધમાં બેનર લાગ્યા છે. રૂપાલાની ટિકિટ ન કપાય તો ભાજપને પ્રવેશ નહીંનાં બેનર લાગ્યા છે. તેમજ ભાજપનાં કોઈ પણ નેતાને ગામમાં પ્રવેશ ન કરવાના પણ બેનર લગાવવામાં આવ્યા છે. ઓલપાડ અને માંગરોળ તાલુકાનાં ગામડાઓમાં રૂપાલાનો વિરોધ થયો હતો.
પાટીદાર સમાજ રૂપાલાનાં સમર્થનમાં
ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગરમાં પાટીદાર સમાજ પુરશોત્તમ રૂપાલાનાં સમર્થનમાં આવ્યો છે. સુરેન્દ્રનગરમાં પરશોત્તમ રૂપાલાનાં સમર્થનમાં ટિકિટ રદ ન કરવા અને અમે રૂપાલાનાં સમર્થનમાં છીએના લખાણ સાથેના બેનર લાગ્યા છે.
અનેક ગામોમાં ભાજપ નેતાઓના પ્રવેશબંધીના પોસ્ટરો લાગ્યા
રાજકોટ જિલ્લાના વડાળી, વાવડી, રમતપર ગામમાં રૂપાલા અને ભાજપને પ્રવેશબંધીના પોસ્ટરો લાગ્યા છે. આ ઉપરાંત વાંકાનેરના અગાભી પીપળીયા ગામમાં પણ આવા પોસ્ટર વાયરલ થયા છે. જામનગરના ધ્રોલના મોટા વાગુદડ ગામમાં રાજપૂત સમાજ દ્વારા ભાજપના નેતા અને આગેવાનો માટે પ્રવેશબંધીના બેનરો લગાવવામાં આવ્યા છે.