ઠાસરાથી હડમતિયા ગામે પસાર થતો હાઈવેને જોડતો રોડ બિસ્માર
- ડાભસર કેનાલથી અંબાવના માર્ગ પર ડામર ગાયબ
- તાલુકામાં 7 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ છતાં નવા બનાવવાના બદલે રોડ પર તંત્ર દ્વારા થિગડાં મારવાનું આયોજન
ઠાસરાથી બળિયાદેવ, ભાથીજી પગાર કેન્દ્ર શાળાથી ફેરકુવા, કોસમ, વનડદ થઈ જરગાલ, વાંઘરોલી થઈ હડમતિયા ગામ પાસેથી પસાર થતો રોડ અત્યંત બિસ્માર બન્યો છે. દિવાળી પહેલા નવો ડામર રોડ બનાવવાનું લિસ્ટ તાલુકાના સોશિયલ મીડિયામાં ફરતું થયું હતું. લાભ પાંચમે ખાતમૂર્હુર્તની તૈયારી પણ હતી. છતાં નવો રોડ બનાવવાના બદલે ઠાસરા બળિયાદેવ ચોકડીથી ફેરકુવા તરફ ડામરના થિગડાં તંત્ર દ્વારા મારવામાં આવતા લોકોમાં આક્રોશ ફેલાયો છે.
આ રોડ પર ગળતેશ્વર તાલુકાના ૨૫થી વધુ ગામોની અવર- જવર છે. ખેડા અને મહીસાગર જિલ્લાને જોડતો પણ આ રસ્તો હોવાથી ૨૪ કલાક વાહનોથી ધમધમતો રહે છે. ત્યારે ખાડાવાળા રસ્તાથી વાહન ચાલકોને આર્થિક અને શારીરિક નુકસાન વેઠવું પડી રહ્યું છે.
ડાભસર મહી કેનાલથી અંબાવ રાજ્ય ધોરી માર્ગને જોડતા બે કિ.મી. રસ્તા ઉપર તો ડામર જ ગાયબ છે. ત્યારે તાલુકામાં બિસ્માર બનેલા રોડ ક્યારે રિસર્ફેસ કે નવા બનાવાશે તેવા સવાલો લોકો કરી રહ્યા છે.