પોલીસના સ્વાંગમાં દાગીના લૂંટતી ઇરાની ગેંગનો 10000 નો ઇનામી સૂત્રધાર પકડાયો,અનેક રાજ્યોમાં નેટવર્ક
વડોદરામાં ડુપ્લિકેટ પોલીસ તરીકે મહિલાઓને ડરાવી દાગીના ઉતારી લેતી ઇરાની ગેંગના માસ્ટરમાઇન્ડને પટણા જેલમાંથી વડોદરા લાવવામાં આવ્યો છે.અનેક રાજ્યોમાં ગુનાખોરી આચરનાર આ ગુનેગારને માથે વડોદરા પોલીસ કમિશનરે ૧૦૦૦૦નું ઇનામ રાખ્યું હતું.
વડોદરાના અકોટા વિસ્તારમાં જેતલપુર નજીક તેમજ સામ્રાજ્ય બંગ્લોઝ નજીક ૧૭ વર્ષ પહેલાં એક જ દિવસે બે સિનિયર સિટિઝન મહિલાઓને પોલીસની ઓળખ આપી આગળ મર્ડર કરીને દાગીના ઉતારી લીધા છે..તેમ કહીને દાગીના ઉતારી લેવાના બનેલા બનાવમાં ઇરાની ગેંગના રહેમત સૈફુલ્લા જાફરી(ખાન કમ્પાઉન્ડ,મોમીનપુરા,થાણે, મુંબઇ)નું નામ ખૂલ્યું હતું.
આરોપી રહેમતે બિહારના પટણા ખાતે એક મહિલાને ડુપ્લિકેટ પોલીસ તરીકે લૂંટી હોવાના બનાવમાં પકડાયો હોવાની અને પટણા જેલમાં હોવાની માહિતી મળતાં ડીસીપી ઝોન-૧ના સ્કવોડના હેકો આઝાદ સુર્વેને માહિતી મળતાં પીએસઆઇ ડીએચ રાણા અને ટીમે ટ્રાન્સફર વોરંટ મેળવી તેને વડોદરા લાવી છે.
આરોપી રહેમત પકડાતો નહિ હોવાથી તેની સામે વડોદરાના પોલીસ કમિશનરે રૃ.૧૦ હજારનું ઇનામ પણ રાખ્યું હતું.ઇરાની ગેંગના સાગરીતની ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ ગુનાખોરીમાં સંડોવણી જણાઇ આવી છે.
યુપી પોલીસનું રહેમતના માથે 15000 અને રાજસ્થાન પોલીસનું 10000નું ઇનામ
ડુપ્લિકેટ પોલીસ તરીકે મહિલાઓના દાગીના પડાવી લેવામાં પાવરધી મનાતી ઇરાની ગેંગના પકડાયેલા સાગરીતની ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં ૩૪ ગુનાઓમાં સંડોવણી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે,ઇરાની ગેંગના સાગરીત રહેમત જાફરીએ વડોદરામાં ૧૭ વર્ષ પહેલાં બે મહિલાઓના દાગીના લૂંટયા હતા.તે ઉપરાંત તેની સામે અમદાવાદ અને અન્ય સ્થળોએ પણ ગુના નોંધાયા છે.
વડોદરા પોલીસે તેને પકડવા માટે ૧૦ હજારનું ઇનામ રાખ્યું હતું.તો યુપી પોલીસે તેના માથે ૧૫ હજાર તેમજ રાજસ્થાન પોલીસે ૧૦ હજારનું ઇનામ રાખ્યું હતું.રહેમત સામે કર્ણાટકમાં અને પ.બંગાળમાં પણ ગુના નોંધાયા હોવાની માહિતી મળી છે.