કચ્છના માતાના મઢના મંદિરનું નવિનીકરણ, આશરે 33 કરોડના ખર્ચે થશે વિકાસ
માતાના મઢનો 33 કરોડના ખર્ચે વિકાસ આરંભાયો...
કચ્છમાં આવેલા 1819ના ભૂકંપમાં મંદિરને ભારે નુકસાન થયું હતું
Image Twitter |
તા. 13 ડીસેમ્બર 2022, મંગળવાર
ગુજરાતનું કચ્છ એ પ્રવાસન માટે ઉત્તમ સ્થળ માનવામાં આવે છે. અને કચ્છના પાટનગર ભુજથી ઉત્તર પશ્ચિમે લગભગ 80 કિ.મી. દૂર આવેલા માતાના મઢ તરીકે ઓળખાતું આશાપુરા માનું પ્રાચીન મંદિર આવેલુ છે. આશાપુરા માનું પ્રાચીન મંદિર છેલ્લા 600 વર્ષથી કચ્છના લોકોની આસ્થાનું જીવંત પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આજથી લગભગ દોઢ હજાર વર્ષ પહેલાં દેવચંદ નામનો મારવાડનો કરાડ વૈશ્ય (વાણિયો) કચ્છમાં વેપાર માટે ફરતો હતો. ત્યારે તે વાણિયાએ આસો મહિનાની નવરાત્રિ હોવાથી તાજેતરમાં જ્યાં આશાપુરા માતાનું મંદિર છે તે જગ્યાએ માતાજીની સ્થાપના કરી અને ખુબ જ ભક્તિભાવપુર્વક માતાની આરાધના કરી હતી. એ પછી જે જગ્યાએ માતાજીનું સ્થાપન કર્યું છે તે જગ્યાએ મંદિર બંધાવ્યું હતું.
કચ્છના માતાના મઢ તરીકે ઓળખાતું આશાપુરા માનું પ્રાચીન મંદિરનો ઈતિહાસ જોઈએ તો ઈસુની 14મી સદીના પ્રારંભે લાખો ફુલાણીના પિતાના રાજદરબારમાં મંત્રી તરીકે રહેલા 2 કરડ વાણિયાઓ અજો અને અનાગોરે આ મંદિર બનાવ્યું હતું, જેને કચ્છમાં આવેલા 1819ના ભૂકંપમાં મંદિરને ભારે નુકસાન થયું હતું એ પછી પાંચ વર્ષના ગાળામાં, આ મંદિરને બ્રહ્મક્ષત્રિય સુંદરજી શિવજી અને વલ્લભાજીએ ફરી બંધાવ્યું હતું. લગભગ 58 ફૂટ લાંબા, 32 ફૂટ પહોળા અને 52 ફૂટ ઊંચા એ પ્રાચીન મંદિરને કચ્છમાં ઈ. સ.2001 માં આવેલા મહાવિનાશક ભૂકંપમાં પણ નુકસાન થયું હતું અને તેનો ગુંબજ તૂટી ગયો હતો.પરંતુ ધીમે ધીમે આ મંદિરને હવે ભવ્યતમ બનાવી દેવાયું છે. અહીં બિરાજમાન આશાપુરા માની છ ફૂટ ઊંચી અને છ ફૂટ પહોળી, રાતા રંગની મૂર્તિ સ્વયંભૂ છે.
કચ્છના પ્રાચીન યાત્રાધામ માતાના મઢ ખાતે વર્ષ 2017ની ચૂંટણી નિમિત્તે મા આશાપુરાના દર્શને આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ માતાના મઢને સુવિધાસભર મોટું યાત્રાધામ બનાવવા માટે વચન આપ્યુ હતું. આપેલા વચનનો અમલ ગુજરાત સરકારના પ્રવાસન યાત્રાધામ બોર્ડ દ્વારા 33 કરોડના ખર્ચે ચાચરાકુંડ અને ખટલા ભવાની મંદિરેથી આરંભ કર્યો છે. આ ચાર પ્રોજેક્ટના રૂપમાં આ કામો બે વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. ગત 28 ઓગસ્ટના ભુજમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સ્મૃતિવન સહિતના વિકાસકાર્યોનું કર્યુ. તે સાથે લોકાર્પણ સાથે તીર્થધામ માતાનામઢના વિકાસકાર્યોનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કર્યું હતું.
વર્ષ 2017માં વડાપ્રધાન મોદીએ મહંત યોગેન્દ્રસિંહજી, મઢ જાગીરના ટ્રસ્ટી મ.કુ. હનુવંતસિંહજી જાડેજા, ખેંગારજી જાડેજા, પ્રવીણસિંહ વાઢેર તેમજ સ્વ. રમેશભાઇ શાહ સહિતના અગ્રણીઓને વચન આપ્યું હતું. 2019ના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મઢના ટ્રસ્ટી ખેંગારજી જાડેજા તેમજ પ્રવીણસિંહ વાઢેરને ગાંધીનગર બોલાવ્યા હતા. 2021ના બજેટમાં નાણામંત્રી નીતિનભાઇ પટેલે 32.71 કરોડની રકમ ફાળવી હતી. માતાના મઢની વસ્તી અંદાજે ત્રણ હજાર જેટલી છે પણ દરવર્ષે અંદાજે ત્રીસ લાખથી વધારે માઇભકતો દર્શને આવે છે. દેશદેવી મા આશાપુરાજી માતાનું મંદિર અને મઢ ગામ નદીના કાંઠે છે. સારા વરસાદમાં ઉત્તરથી દક્ષિણ તેમજ પૂર્વથી પશ્ચિમ દિશામાં ધોધમાર પાણી વહે છે. તેનું વહેણ બદલવા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ સિંચાઇ વિભાગના એન્જિનીયરોને બોલાવી સ્થળનું નિરીક્ષણ કરી રાજ્ય સરકારમાંથી દોઢ કરોડની રકમ અલગથી ફાળવાઇ તે યોજના અમલમાં છે. તેમજ રૂપરાઇ તળાવનું નવિનીકરણ કરી હમીરસર જેવું બનાવવાની યોજના છે.
યાત્રાધામ માતાના મઢ ખાતે મુખ્ય સમસ્યા ગટરની છે, તેના માટે જીએમડીસી દ્વારા 44 લાખ ફાળવાયા છે. કોન્ટ્રાક્ટ અપાઇ ગયો છે. આ વર્ષના અંતમાં નવી ગટર યોજનાનું કામ પૂર્ણ થશે. મા. મઢના સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મઢના વિકાસ માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર લખી ત્રણ કરોડ માગ્યા હતા. તેમણે મંજૂર પણ કર્યા હતા. બાદમાં વડાપ્રધાન મોદી મઢમાં દર્શને આવ્યા તે પછી 33 કરોડ મળ્યા તે બદલ ગામ વતી આભાર વ્યકત કર્યો હતો. આ યાત્રાધામમાં ચાર પ્રોજેક્ટમાં વિકાસ કાર્યો થશે. જેમાં મુખ્ય મંદિરનું પ્રાંગણ વિશાળ બનાવાશે. મુખ્ય પ્રવેશદ્વાર મંદિરના સન્મુખ બનાવાશે. અદ્યતન અન્નક્ષેત્ર, મંદિરની ચારે દિશામાં પ્રદક્ષિણા માર્ગ, એક હજારની દિવાની દીપમાળા, વિશાળ પાર્કિંગ, મુખ્ય માર્ગ 29 મીટર પહોળો છેક ચાચરાકુંડ સુધી, ખટલા ભવાની મંદિર પર બાગ-બગીચા તેમજ યાત્રાની સુવિધા ચાચરાકુંડને આધુનિક લાઇટીંગ અને ફુવારાથી શણગારાશે. વેપારીઓ માટે 60 જેટલી દુકાનો- મોલ બનશે. રૂપરાઇ તળાવનું નવિનીકરણ કરી હમીરસર જેવું બનાવવાની યોજના છે
450 વર્ષથી માતાના મઢ ખાતે થાય છે પતરીવિધિ. જાણો શુ છે આ પતરી વિધિ?
આસો માસની નવરાત્રીની આઠમના રોજ રાજપરિવાર તરફથી મહારાવ સૂર્યોદય પહેલાં ચાચરકુંડ ખાતે નહાવા પધારે છે. અને તે બાદ ચાચરા ભવાનીના મંદીરમાં પૂજા કરે છે. ત્યાર બાદ આશાપુરા માતાજીના મંદીરમાં માતાજીનો ભુવો પતરી નામના છોડવાના પાંદડાનો ઝુમખો કરી માતાજીના જમણા ખભા ઉપર રાખે છે. જાગરીયાઓને બોલાવી ડાકો તથા ઝાંઝ વગાડવામાં આવે છે અને મહારાવ પોતાની પછેડીનો ખોળો પાથરી પતરી મેળવવા માતાજીને પ્રાર્થના કરે છે, અને જ્યાં સુધી પતરી મહારાવના ખોળામાં નથી પડતી ત્યાં સુધી સતત ઊભા રહી પ્રાર્થના કરે છે.