Get The App

જામનગરનાં આહીર પરિવારનાં સામુહિક આપઘાતમાં પૈસાની લેતી-દેતી કારણભૂત

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
જામનગરનાં આહીર પરિવારનાં સામુહિક આપઘાતમાં પૈસાની લેતી-દેતી કારણભૂત 1 - image


સ્યૂસાઈડનોટનાં આધારે મેટલનાં ધંધાર્થી સહિત બે શખસો વિરૂધ્ધ ફરિયાદ : રૂા. 20 લાખ વસુલવા માટે મૃતક કારખાનેદારને બેફામ મારકૂટ કરીને બળજબરીથી લખાણ કરાવી લીધાની વીડિયો ક્લિપ સહિતનાં પુરાવા મળ્યા

ખંભાળિયા, : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાબેના ધારાગઢ વિસ્તારમાંથી ગઈકાલે મળી આવેલી જામનગરના આહીર દંપતી તેમજ તેમના પુત્ર-પુત્રીના મૃતદેહ સંદર્ભે સામુહિક આપઘાતના પ્રકરણમાં આજે ઘટસ્ફોટ થયો હતો કે તેઓએ પૈસાની લેતીદેતી બાબતે આત્યંતિક પગલું ભરી લીધું હતું. રૂા. 20 લાખ વસુલવા માટે મૃતક કારખાનેદારને મારકૂટ કરીને બળજબરીથી લખાણ કરાવી લીધાની વીડિયો ક્લિપ સહિતનાં પુરાવા મળ્યા છે. આ સાથે મળેલી સ્યૂસાઈડનોટનાં આધારે મેટલનાં ધંધાર્થી સહિત બે શખસો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. 

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યંત ચકચારી બની ગયેલા આ પ્રકરણની વિગત મુજબ લાલપુર તાલુકાના મોડપર ગામના મૂળ રહીશ અને હાલ જામનગરમાં માધવબાગ-1 ખાતે રહેતા અશોકભાઈ જેઠાભાઈ ધુંવા (ઉ.વ.૪૨), તેમના પત્ની લીલુબેન અશોકભાઈ ધુંવા (ઉ.વ. 42), પુત્ર જીજ્ઞોશ અશોકભાઈ ધુંવા (ઉ.વ. 20) અને પુત્રી કિંજલ અશોકભાઈ ધુંવા (ઉ.વ. 18)એ ગઈકાલે બુધવારે ભાણવડનાં ધારાગઢ વિસ્તારમાં રેલવે ફાટક પાસે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો હતો. આ ચકચારી સામૂહિક આત્મહત્યાનાં પ્રકરણમાં પોલીસ દ્વારા સ્થળ નિરીક્ષણ તેમજ તપાસ દરમિયાન મૃતદેહ નજીકથી ઝેરી દવાનું ડબલું, પ્લાસ્ટિકના ગ્લાસ, થમ્સઅપની બોટલ વિગેરે મળી આવ્યા હતા. વધુ તપાસમાં આ સ્થળેથી પ્લાસ્ટિકના ઝબલામાંથી ત્રણ મોબાઈલ ફોન ઉપરાંત હાથે લખેલી ચીઠ્ઠી, મૃતકના પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ વિગેરે પણ મળ્યા હતા.

આ અંગે ઊંડાણપૂર્વકની તપાસ તેમજ મોબાઈલ ફોનની ચકાસણી અને ચિઠ્ઠીના આધારે મૃતક અશોકભાઈ ધુવાના નાનાભાઈ એવા લાલપુર તાલુકાના મોડપર ગામના મૂળ રહીશ અને હાલ જામનગરના કનસુમરા ખાતે રહેતા વિનુભાઈ જેઠાભાઈ ધુવા (ઉ.વ. 41)એ વી.એમ. મેટલ વાળા વિશાલ જાડેજા અને અન્ય એક શખ્સ વિશાલ પ્રાગડા સામે ભાણવડ પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે. જેમાં લખાવ્યું છે કે, મૃતક અશોકભાઈના મૃતદેહ પાસેથી મળેલા અલગ અલગ મોબાઈલ ફોનમાં રહેલા વોટ્સએપ મેસેજ તેમજ વીડિયો ક્લિપ ઉપરાંત અહીંથી મળી આવેલી સ્યુસાઈટ નોટના આધારે ખુલવા પામ્યું હતું કે, વી.એમ. મેટલ વાળા વિશાલ જાડેજા અને વિશાલ પ્રાગડાનાં કારણે ધુવા પરિવાર સામુહિક આપઘાત કરવા માટે મજબૂર બન્યો હતો.

આમ, આ સમગ્ર પ્રકરણમાં મૃતક આહીર પરિવારના મોભી એવા અશોકભાઈ જેઠાભાઈ ધુવા, તેમના પત્ની તથા પુત્ર અને પુત્રીએ કરેલા સામુહિક આપઘાતમાં ખુલ્યું કે, વી.એમ. મેટલ વાળા વિશાલ જાડેજાએ મૃતક અશોકભાઈ પાસેથી રૂપિયા 20 લાખ લેવાના છે તેવો હિસાબ કરી, આ પૈસા બળજબરીપૂર્વક કઢાવવા માટે ડરાવી, ધમકાવી, માર મારી, કાગળમાં તે મુજબનું લખાણ લખાવી લઈને કડક ઉઘરાણી કરી હોવા ઉપરાંત સમર્પણ સેલવાળા વિશાલ પ્રાગડાએ પણ અશોકભાઈને આપવાના થતા રૂપિયા 5.53 લાખ લાંબા સમયથી નહીં આપતા આખરે તમામ ચાર પરિવારજનોએ ગઈકાલે ભાણવડના ધારાગઢ ગામે ઝેરી દવા પીને સામુહિક આપઘાત કરી લીધો હોવા હતો. જે અંગે મૃતક યુવાનના ભાઈની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે બંને શખ્સો સામે આઈ.પી.સી. કલમ 108, 115 (2), 308 (ક) તથા 54 મુજબ ગુનો નોંધ્યો છે. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ વિભાગના પીઆઈ પી. પી. બ્રહ્મભટ્ટ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે. આજે સવારે જામનગર ખાતે તમામ ચાર પરિવારજનોની સામુહિક અર્થી ઉઠતા ભારે શોકના માહોલ વચ્ચે કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.

'ભાઈ'ના નામથી સેવ નંબર પરથી 3 વીડિયો ક્લિપ મોકલાઈ !

મૃતક અશોકભાઈના પત્ની લીલુબેનના મોબાઈલમાં 'ભાઈ'ના નામથી સેવ કરેલા ચોક્કસ નંબર પરથી ત્રણ વીડિયો ક્લિપ મોકલવામાં આવી હતી. જેમાં કુલ ચાર વ્યક્તિઓ દ્વારા અશોકભાઈને ધમકાવી મારતા હોવાનું અને નોટમાં કંઈ લખાવી તેના કાગળો લઈ લીધાનું જણાયું હતું. અશોકભાઈ પાસે પૈસાની કડક ઉઘરાણી 'ભાઈ'ના નામથી નામના વ્યક્તિને વોટ્સએપ મેસેજમાં 'વિશાલ જાડેજા દરબાર વી. એમ. મેટલ વાળાએ બળજબરી કરી, પૈસા લેવા માટે. તેનાથી અમોને હેરાન છીએ'. 'તેણે અમને ખૂબ હેરાન કર્યા છે. તેનાથી અમો મરી જઈએ છીએ'- જેવા જુદા જુદા છ મેસેજ પણ હોવાનું ખુલવા પામ્યું છે.


Google NewsGoogle News