ગુજરાત સમાચાર અમારૂં નહિ, દરેક ગુજરાતીનું છે; વાચક જ હરહંમેશ કેન્દ્રબિંદુમાં : અમમ શાહ
અમદાવાદ,તા.13 જુલાઈ 2022,બુધવાર
ગુજરાત સમાચારના અમમભાઇ શાહે જણાવ્યું કે, 'ગુજરાત સમાચારના કેન્દ્રમાં હંમેશાં વાચક રહ્યો છે. ૧૯૫૦માં મારા દાદા સ્વ. શાંતિલાલ શાહે ગુજરાત સમાચારનું સુકાન સંભાળ્યું ત્યારથી ગુજરાત સમાચાર અવિરતપણે આગળ વધતું રહ્યું છે. તેમણે ક્યારેય મૂલ્યો સાથે ક્યારેય સમાધાન કર્યું નથી. ૧૯૭૮માં ગુજરાત સમાચારનો નફો માત્ર રૂપિયા ૮ લાખ હતો અને અઢી લાખ રૂપિયાની ઈંડાના ભાવ છાપવાની જાહેરખબર મળતી હતી, આમછતાં તેમણે મૂલ્યો સાથે બાંધછોડ કરી નહીં અને આ જાહેરખબર છાપવાનો ઈન્કાર કર્યો હતો. આ પરંપરા આજે પણ ગુજરાત સમાચારે ચાલુ રાખી છે. આજેપણ સમાજને નુકસાન થાય તેવી જાહેરખબર ગુજરાત સમાચારમાં છપાતી નથી.'
ભૂતકાળએ આપણા જીવનનું એવું પાસું છે જે વીતી ચૂક્યો હોવા છતાં કંઇક બોધપાઠ આપીને જાય છે. બીજી તરફ વર્તમાન એ આપણા હાથમાં રહેલું એવું અમોઘ શસ્ત્ર છે જેના દ્વારા ભવિષ્યની કેડી કઇ રીતે કંડારવી તે નક્કી થાય છે.વર્તમાનની બારીમાંથી ભવિષ્ય તરફ ડોકિયું કરવાની આવી જ થીમ પર 'ગુજરાત સમાચાર', ' જીએસટીવી'ના ઉપક્રમે 'ગુજરાતની આજ અને આવતીકાલ'ના વિષય પર અમદાવાદ ખાતે કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના વરિષ્ઠ રાજકારણીઓ તેમજ ગુજરાતના ઉદ્યોગજગતના માંધાતાઓએ આ ભવ્ય કાર્યક્રમને શોભાવ્યો હતો.