તરલ ભટ્ટે SOGને આપેલી ખાતાંઓની વિગત ક્યાંથી આવી એ સવાલ નિરૂત્તર
પોલીસે PIને સવલત આપી, પણ PIએ પોલીસને જવાબ ન આપ્યા! : આંતરરાષ્ટ્રીય કૌભાંડની આશંકાથી જેને તપાસ સોંપાઈ એ એટીએસ પણ ચાર દિવસના રિમાન્ડ પછી'ય નક્કર માહિતી ન કઢાવી શકી
જૂનાગઢ, : જૂનાગઢનાં બહુચચત તોડકાંડ પ્રકરણમાં એટીએસ દ્વારા સસ્પેન્ડેડ સીપીઆઈના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ દિવસો દરમ્યાન તરલ ભટ્ટે જે બેંક ખાતાઓની વિગત એસ.ઓ.જી.ને આપી હતી તે ક્યાંથી આવી એ હજુ પણ મોટો સવાલ છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ કૌંભાંડ થયાની આશંકાથી એટીએસને તપાસ સોંપવામાં આવી હતી, પરંતુ એ મુજબની કોઈ વિગત સામે આવી નથી ત્યારે આ બાબતે અનેક સવાલ ઉઠી રહ્યા છે.
જૂનાગઢમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટો તેમજ ગેમ્સ રમતા હોવાની આશંકા દર્શાવી બેંક ખાતા ફ્રીઝ કરી અનફ્રીઝ કરવાના બદલામાં મોટી રકમના તોડ કરવા મામલે જૂનાગઢ એસ.ઓ.જી. પી.આઈ. એ.એમ. ગોહિલ, એ.એસ.આઈ. દિપક જાની અને આ ખાતાઓની વિગતો આપનાર માણાવદર સીપીઆઈ તરલ ભટ્ટ સામે ગુનો દાખલ થયો હતો. આ કૌંભાંડ આંતરરાષ્ટ્રીય હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જેના કારણે જ આ તોડકાંડ પ્રકરણની તપાસ એટીએસને સોંપવામાં આવી હતી. એટીએસે તરલ ભટ્ટના ચાર દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ કરી હતી અને મોબાઈલ, કોમ્પ્યુટર કબ્જે કર્યા હતા. ચાર દિવસના રિમાન્ડ દરમ્યાન એસ.ઓ.જી.ને જે બેંક ખાતા અંગેની વિગતો આપી હતી તે તરલ ભટ્ટ પાસે ક્યાંથી આવી એ હજુ મોટો સવાલ છે. જે મામલે એટીએસને તપાસ સોંપવામાં આવી હતી. તે મુદાઓના પ્રશ્નો જ હજી નિરૂત્તર છે. ત્યારે ચાર દિવસના રિમાન્ડ બાદ સસ્પેન્ડેડ સીપીઆઈ તરલ ભટ્ટ જેલહવાલે છે. તરલ ભટ્ટને જૂનાગઢ કોર્ટમાં રજૂ કર્યા ત્યારે તેને વીવીઆઇપી સુવિધાઓ આપી હતી. ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. ત્યારે આ બાબતે અનેક સવાલ ઉઠી રહ્યા છે. હજુ એસઓજીના સસ્પેન્ડેડ પીઆઇ અને એ.એસ.આઈ. ફરાર છે. ત્યારે હવે તેને ક્યારે પકડવામાં આવે છે એ જોવું રહ્યું.