ઝઘડાખોર પતિએ મને પેટમાં પાટા મારતા મિસકેરેજ થઇ ગયું હતું
રાજકોટની પરિણીતાની કલોલ રહેતા સાસરિયાઓ સામે ફરિયાદ : માવતર સાથે સ્પીકર ચાલુ રાખી જ વાત કરવા દેતા હતા, સાસુ પ્રસંગોપાત ઘરેણા પણ પહેરવા આપતા ન હતા
રાજકોટ, : શહેરના ગોંડલ રોડ પરના ગુણાતીતનગરમાં રહેતી હિમાંશીબેન નામની ૨૬ વર્ષની પરિણીતાએ પતિ સહિતના સાસરિયાઓ સામે મારકૂટ કરી ત્રાસ આપ્યાની મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.જેમાં પતિએ પેટમાં પાટા મારતા મિસકેરેજ થઇ ગયાનો પણ ચોંકાવનારો આક્ષેપ કર્યો છે. મહિલા પોલીસે આ ફરિયાદના આધારે પતિ મિત, સસરા મહેન્દ્ર ઉકાભાઈ ભોજૈયા, સાસુ ભાવનાબેન અને દિયર ક્રિશ (રહે. ચારેય શુભ કોમ્પલેક્સ, કલોલ) વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આગળ ધપાવી છે.
ફરિયાદમાં હિમાંશીબેને જણાવ્યું છે કે 2020માં તેના લગ્ન થયા હતા. એકાદ માસ ઘરસંસાર સારી રીતે ચાલ્યા બાદ પતિ સાથે મેટોડા જીઆઈડીસીમાં રહેવા આવી હતી. પતિએ નાની-નાની બાબતોમાં મારકૂટ અને ઘરમાં તોડફોડ શરૂ કરી દીધી હતી. તેના પિતા તેડી ગયા બાદ સમાધાન થતાં ફરીથી પતિ સાથે રહેવા ગઇ હતી. સાસુનું ઓપરેશન કલોલ ખાતે હતું જેથી પરિવારના બધા સભ્યો ત્યાં રહેવા ગયા હતા. સાસુની તમામ દેખભાળ કરતી હતી. આમ છતાં સાસુ પતિને તેના વિશે ચડામણી કરતા હતા. એટલું જ નહીં ઘરમાં નોકરાણી જેવું વર્તન કરતા હતા.
માવતર સાથે ફોનમાં વાતચીત કરવા દેતા નહીં. સાસુ કહેતા માવતરનો ફોન આવે ત્યારે સ્પીકર રાખીને જ વાત કરવી પડશે. પતિ તેવા મેણા મારતો કે તારો બાપ ભીખારી છે, અમારા સ્ટેટસ પ્રમાણે કરિયાવર આપ્યો નથી. તેના માવતરને બેફામ ગાળો પણ ભાંડતા હતા. પતિ અવારનવાર મારકૂટ કરતો હોવાથી પાંસળીમાં ઇજા થઇ હતી. પતિ સતત ઝગડો અને મારકૂટ કરતો હતો. આમ છતાં સારૂ થઇ જશે તેમ માની ત્રાસ સહન કરતી હતી.
દોઢેક માસ જેવી પ્રેગનન્સી હતી ત્યારે પતિએ સાસુની ચડામણીથી તેને પેટમાં પાટા મારતા બ્લીડીંગ થયંશ હતું. એટલું જ નહીં મિસકેરેજ પણ થઇ ગયું હતું. આમ છતા પતિ દવાખાને લઇ ગયો ન હતો. સસરા અને દિયર પણ તેના પતિને ચડામણી કરતા હતા. પ્રસંગોપાત સાસુ પાસે પહેરવા માટે ઘરેણા માંગતી તો સાસુ લોકરમાં પડયા છે તેવા બહાના બતાવી દેતા હતા. પતિ કહેતો કે મારે તું જોઇતી નથી. એક વખત ઘરની બહાર કાઢી મૂકી હતી. જેથી છેલ્લા અઢી વર્ષથી માવતરને ત્યાં રહે છે. સમાધાન માટે પ્રયત્નો કર્યા હતા પરંતુ પતિ રાખવા માંગતો ન હોવાથી આખરે ફરિયાદ નોંધાવી હતી.