હવામાન ખાતાની માવઠાની આગાહીને પગલે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી પર બે દિવસ માટે રોક લગાવાઇ
હવામાન વિભાગ દ્વારા આવતીકાલ ૨૮ અને ૨૯ તારીખના બે દિવસો દરમિયાન કમોસમી વરસાદ અથવા છાંટા પડે તેવી આગાહી કરવામાં આવી હોવાથી સલામતીના ભાગરૂપે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી અને તેના વેચાણની પ્રક્રિયા પર રોક લગાવવામાં આવી છે, અને ખેડૂતોએ બે દિવસો દરમિયાન પોતાની મગફળી નહીં લાવવા માટે અથવા અન્ય કોઈ જણસ નહીં લાવવા માટે જણાવ્યું છે.
આ ઉપરાંત ઓપન બજારમાં પણ મગફળી ના પાલ તથા કપાસના પાલ સાથે આવનારા ખેડૂતો ઉપર પણ પ્રતિબંધ ફરમાવ્યા છે, અને આ બે દિવસ દરમિયાન મગફળીના પાલ અથવા કપાસના પાલ નહીં લાવવા સૂચના જારી કરવામાં આવી છે. જોકે મગફળી અને કપાસની ભારી પ્લેટફોર્મ પર ઉતારવા માટે ની છૂટ અપાઇ છે. તેમજ હરાજીની પ્રક્રિયા પણ આ દિવસો દરમિયાન ચાલુ રખાઇ છે.