રાજકોટ દુર્ઘટના બાદ સુરત પાલિકામાં ફાયર પ્રિવેન્શન વિંગની સ્થાપના કરવાની દરખાસ્ત મંજુર
Surat Corporation : રાજકોટ ગેમઝોન દુર્ઘટના બાદ સુરત સહિત સમગ્ર રાજ્યમાં ફાયર વિભાગ દ્વારા એગ્રેસીવ કામગીરી કરવામાં આવી હતી. પાલિકા દ્વારા ફાયર એન.ઓ.સી. તથા અન્ય ક્ષતિ ધરાવતી મિલકત સીલ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. જોકે, આવા પ્રકારની દુર્ઘટના બને નહીં તે માટે નગરપાલિકા તથા મહાનગર પાલિકા વિસ્તારમાં ફાયર પ્રિવેન્શન વિંગની સ્થાપના કરવા અને અલાયદું બજેટ ફાળવવાનો નિર્ણય કરાયો હતો. તેના આધારે સ્થાયી સમિતિની બેઠકમાં સુરતમાં ફાયર પ્રિવેન્શન વિંગની સ્થાપના કરવાની દરખાસ્ત મંજુર કરવામાં આવી છે.
સુરતના તક્ષશિલા દુર્ઘટના બાદ રાજકોટની કરુણાંતિકા બાદ સુરત સહિત સમગ્ર રાજ્યમાં આગની ઘટના રોકવા તથા તે માટેની પ્રવૃત્તિ હાથ ધરવા માટે એક અલાયદું આગ નિવારણ સેલ (ફાયર પ્રિવેન્શન લીંગ ) બનાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ તેમજ નગરપાલિકાઓમાં ફાયર પ્રિવેન્શન વિંગ બનાવી અને વિંગમાં કર્મચારીઓની ભરતી કરવા માટે વધારાની બજેટ ફાળવણી કરવામાં આવશે તેવો નિર્ણય કરાયો હતો.
આ નિર્ણય બાદ આજે સુરત પાલિકાની સ્થાયી સમિતિમાં ફાયર પ્રિવેન્શન વિંગ બનાવી આ વિંગમાં વિવિધ 9 જગ્યાઓ પર કુલ 51 કર્મચારીઓની ભરતી કરવા માટેની દરખાસ્તને મંજુરી આપવામાં આવી હતી. ફાયર પ્રિવેન્શન વિંગ બનાવવા માટે વિંગની રચના માટે પાલિકાના વિવિધ વિભાગના અધિકારીઓની મીટીંગ મળી હતી અને મિટિંગમાં નક્કી થયા મુજબ કમિટીના સભ્યો દ્વારા વિવિધ 9 જગ્યાઓ પર મળીને કુલ 51 કર્મચારીઓની ભરતી કરવા માટે દરખાસ્ત બનાવવામા આવી છે.