વિશ્વભરમાં જાણીતી વલસાડી હાફૂસનું ઉત્પાદન દર વર્ષે ધીમે-ધીમે ઘટી રહ્યું છે

આવનારા વર્ષોમાં નવી પેઢીને હાફૂસનો સ્વાદ ચાખવા મળશે કે કેમ!

વર્ષો જુના હાફૂસના વૃક્ષો ખેડૂતોએ સાચવી રાખ્યા છે પણ નવા વૃક્ષોનું વાવેતર કરતા નથી, તેની સામે કેસરનું વાવેતર મોટા પ્રમાણમાં થઇ રહ્યું છે.

Updated: Mar 16th, 2024


Google NewsGoogle News
વિશ્વભરમાં જાણીતી વલસાડી હાફૂસનું ઉત્પાદન દર વર્ષે ધીમે-ધીમે ઘટી રહ્યું છે 1 - image


Alphonso Mangoes from Valsad: સમગ્ર વિશ્વમાં હાફૂસ કેરીથી વલસાડ જિલ્લો જાણીતો છે,  પરંતુ જે હાફૂસ કેરીનો વલસાડ જિલ્લો ગર્વ લઈ રહ્યો  છે ત્યાં ઉત્પાદન દર વર્ષે ધીમે ધીમે ઘટી રહ્યું છે. જેને જોતા અહીં પ્રશ્ન જરૂર ઉભો થાય છે કે, આવનારા વર્ષોમાં નવી પેઢીને વલસાડી હાફૂસ કેરીનો સ્વાદ ચાખવા મળશે કે કેમ ? જે રીતે ખેડૂતો હાફૂસના વૃક્ષો કાપી તેના સ્થાને કેસર કેરીના વૃક્ષોનું વાવેતર કરી રહ્યા છે તે જોતા હવે હાફૂસનું ઉત્પાદન ઘટી રહ્યું છે.

ઘટી રહ્યું છે વલસાડી હાફૂસનું ઉત્પાદન 

વલસાડ જિલ્લામાં અંદાજિત 37,000 હેક્ટરમાં કેરીના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે અને દર વર્ષે 150 ટકા જેટલી કેરીનું ઉત્પાદન જોવા મળે છે. વલસાડ જિલ્લા પંચાયત ખેતીવાડી વિભાગ દ્વારા કરવામાં આવેલા એક સર્વે મુજબ 37,000 હેક્ટરમાંથી માત્ર 12000 હેક્ટર જ હાફૂસ કેરીનું વાવેતર જોવા મળે છે. જેમાં 7000 હેક્ટરમાં ઉભેલા હાફૂસના વૃક્ષો જુના છે. આ આંકડા જોતા એક વાત ચોક્કસ છે કે, ધીમે-ધીમે હાફૂસનું ઉત્પાદન ઘટી રહ્યું છે અને સાથે સાથે હાફૂસના ઉત્પાદન ઉપર વિશ્વાસ મુકનારા ખેડૂતોનો વિશ્વાસ પણ ડગી રહ્યો છે. જેના કારણે હવે નવી પેઢીના ખેડૂતો હાફૂસની કલમોનું વાવેતર કરવાના સ્થાને કેસરની કલમોનું વાવેતર કરી રહ્યા છે. જેની પાછળનું કારણ છે કે કેસર દર વર્ષે મબલખ ઉત્પાદન આપે છે. જેની સામે હાફૂસ કેરીનું ઉત્પાદન ઘણું ઓછું છે. હાફૂસ કેરીનું ઉત્પાદન દર વર્ષે ઘટી રહ્યું છે. જે ખેડૂતો પાસે વર્ષો જુના હાફૂસના વૃક્ષો છે તે તમામ વૃક્ષો હાલ સાચવી રાખવામાં આવ્યા છે પણ નવા વૃક્ષોનું ખેડૂતો વાવેતર કરી રહ્યા નથી. જેના કારણે આવનારા વર્ષોમાં નવી પેઢીને વલસાડી હાફૂસનો સ્વાદ ચાખવા મળશે કે કેમ ? એ ચિંતાનો વિષય છે.

37000 પૈકી 7000 હેક્ટરમાં હાફૂસના જુના વૃક્ષો

આ સમગ્ર બાબતે વાતચીત કરતા વલસાડ જિલ્લા ખેતીવાડી અધિકારી ગરાસિયાએ જણાવ્યું  કે, વલસાડમાં કેરીના પાકનું વાવેતર 37,000 હેક્ટરમાં છે, જેમાંથી હાલમાં માત્ર 7000 હેક્ટરમાં જુના હાફૂસના વૃક્ષ રહ્યા છે. જ્યારે 25000 હેક્ટરમાં કેસર કેરીનો પાક જોવા મળે છે એટલે કે આગામી પાંચથી સાત વર્ષ દરમિયાન હવે ધીરે ધીરે ઉત્પાદન ઉપર તેની અસર જોવા મળશે અને આગામી પેઢીને કેરીનો સ્વાદ ચાખવા મળશે કે કેમ ? એવા સવાલો ઉઠી રહ્યા છે ત્યારે હાફૂસની માવજત કરવા પાછળ અને તેને બચાવવાઅભિયાન ચલાવવું જોઇએ. 

ક્લાઇમેન્ટ ચેન્જની સીધી અસર થાય છે હાફૂસ કેરી પર 

કેવાડા ગામના ખેડૂત તેજસ પટેલે જણાવ્યું કે, દર વર્ષે જ હવામાનની અસર અને ક્લાઇમેન્ટ ચેન્જને કારણે હાફૂસના પાકને તેની સીધી અસર પડે છે. ગત વર્ષે સારું એવું ફ્લાવરિંગ થવા છતાં કમોસમી વરસાદની અસરના કારણે કેટલાક ખેડૂતોનો હાફૂસ કેરીનો પાક નિષ્ફળ નીકળ્યો હતો ત્યારે કોઈ પણ ખેડૂત એવું નથી ઇચ્છતો કે, સમગ્ર વર્ષની આવક જે ખેતી ઉપરથી તેઓ મેળવી રહ્યા છે તે ખેતી નિષ્ફળ જાય. જેથી તમામ ખેડૂતો હવે હાફૂસને બદલે કેસરની કલમો પોતાના ખેતરમાં વાવી રહ્યા છે. 

હાફૂસ કેરીની માવજત જેટલા નાણાં પણ નથી મળતા ઉત્પાદન સમયે મળતા નથી

કલવાડાના ખેડૂત બ્રિજેશભાઈ પટેલે જણાવ્યું કે દર વર્ષે હાફૂસ કેરીના પાકની માવજત પાછળ જ ખર્ચ એટલો થાય છે કે ઉત્પાદન સમયે ખર્ચ કરેલા નાણાં પણ મળતા નથી, વળી હાફૂસના વૃક્ષો પણ વર્ષો જૂના હોવાથી તેમાં જે ઉત્પાદનની શક્યતાઓ રહેલી છે એ પહેલા જેવી રહી નથી. જેની સામે કેસર કેરીને હવામાન કે અન્ય કારણો નડતા ન હોવાથી દર વર્ષે કેસર કેરીનું મબલખ ઉત્પાદન આવે છે અને ભાવ પણ ખૂબ યોગ્ય રહેતા ખેડૂતોને વળતર પણ સારું મળતું હોવાથી સ્વાભાવિક છે કે ખેડૂતો માત્ર કેસરની કલમો જ ખેતરમાં વાવી રહ્યા છે. 

વિશ્વભરમાં જાણીતી વલસાડી હાફૂસનું ઉત્પાદન દર વર્ષે ધીમે-ધીમે ઘટી રહ્યું છે 2 - image


Google NewsGoogle News