રોકાણકારોને ગુમાવેલા નાણાં પરત અપાવવાની કાર્યવાહી શરૃ થઇ
નિવેદન લખાવવામાં બાકી રહી ગયેલા રોકાણકારોએ સી.આઈ.ડી. ક્રાઇમ વડોદરા ઝોનનો સંપર્ક કરવા જણાવાયું
વડોદરા,સાંઇ પ્રસાદ ફૂડ્સ લિ. તથા સાંઇ પ્રસાદ પ્રોપર્ટીના એમ.ડી, ડિરેકટરો તથા હોદ્દેદારોએ જુદી- જુદી સ્કીમો જેવી કે રિકરીંગ ફિક્સ ડિપોઝીટ , એફ.ડી. માં રોકાણ અંગે લોભામણી લાલચ આપી રોકાણકારોને આકર્ષી છેતરપિંડી કરવામાં આવી હતી. આ કેસમાં નાણાં ગુમાવનાર રોકાણકારોની તપાસ સી.આઇ.ડી. દ્વારા કરવામાં આવી રહી છે. આ કેસમાં હવે રોકાણકારોને નાણાં પરત અપાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વડોદરા સી.આઇ.ડી. ક્રાઇમ ઝોનમાં (૧) બાલાસાહેબ કેશવરાવ ભાપકર (૨) વંદના બાલાસાહેબ ભાપકર(૩) શશાંક ભાપકર (ત્રણેય રહે. સાંઇ દરબાર સુખવાણી ઉધાન સોસાયટી પીપરી ચીચવડ લીંકરોડ, પુના મહારાષ્ટ્ર) (૪) સંજય સહદેવ રાવ(૫) સુરેશ કમલ પ્રસાદ શ્રીવાસ્તવ (બંને રહે.ચીચવડ પુના મહારાષ્ટ્ર) (૬) સદાશીવ પાલ તથા (૭) રાજેશ હજુરી (બંને રહે. સોમાતળાવ રોડ, ડભોઇ રોડ, વડોદરા)વિરૃધ્ધમાં ગુનો નોંધાયો હતો.
આ ગુનાની તપાસ દરમ્યાન આરોપી બાલાસાહેબ કેશવરાવ ભાપકરની બી-વોરંટ આધારે સેસન્સ કોર્ટ જી.પી.આઈ.ડી વડોદરાના હુકમ આધારે તા.૦૮/૦૧/૨૦૨૪ના રોજ અટક કરી સુપ્રીમ કોર્ટના આદેશ અન્વયે જામીન મુક્ત કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટ દ્વારા આરોપીની તમામ મિલકત ટાંચમાં લઈ હાઈ-પાવર સેલ કમિટી બનાવી નાણાં ગુમાવનારને વળતર અપાવવા બાબતે જરૃરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જેથી, ઉપરોક્ત કંપનીના નામ હેઠળ છેતરપીંડીના ભોગ બનનાર નિવેદન લખાવી ગયેલ હોય તે સિવાયના ગુજરાત રાજ્ય વિસ્તારના કોઈએ નિવેદન લખાવાનુ રહી ગયેલ હોય તો તેઓને ડિટેક્ટિવ પોલીસ ઇન્સ્પેકટર, સી.આઇ.ડી. ક્રાઇમ, વડોદરાનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવ્યું છે.