સિહોરમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો, તંત્ર મૂકપ્રેક્ષક
- રેઢિયાળ ઢોરની ઢીકે અગાઉ ત્રણથી ચાર વ્યક્તિના મોત છતાં કોઈ કાર્યવાહી નહીં
- રસ્તા ઉપર ઢોરના અડીંગા કાયમી, વાહનચાલકો-રાહદારીઓના જીવ ઉપર તોળાતું જોખમ
સિહોરના રેલવે સ્ટેશન રોડ, અમદાવાદ રોડ, દાદાની વાવ, વડલા ચોક, પ્રગટનાથ રોડ, ધનકેડી રોડ, મુખ્ય બજાર, શાકમાર્કેટ, કંસારી બજાર, જૂના સિહોર સહિતના વિસ્તારોમાં રેઢિયાળ ઢોરનો ત્રાસ કાયમી છે. જાહેર રસ્તાઓ પર ઢોર અઢીંગા જમાવીને બેઠા રહે છે. તો ક્યારેક આખલા યુદ્ધ પણ છેડાઈ છે. જેના કારણે વાહનચાલકો, રાહદારીઓના જીવ ઉપર જોખમ તોળાતું હોય છે. અગાઉ રખડતા ઢોરની ઢીંકે ચડવાના કારણે ત્રણથી ચાર વ્યક્તિના મોત થયાની પણ ઘટનાઓ બની છે. આવા સંજોગોમાં હાઈકોર્ટે ઢોર પકડવાના આદેશ આપ્યો હોવા છતાં સિહોર નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જિલ્લા કલેક્ટરે પણ ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરવા તાકીદ કરેલી હોય, તેમના પરિપત્રનો પણ ઉલાળિયો કરવામાં આવી રહ્યો છે. સિહોરમાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી દરરોજ મોટી સંખ્યામાં લોકો હટાણું કરવા આવતા હોય છે, ત્યારે કોઈ વ્યક્તિ ઢોરની ઝપટે ન ચડે તે માટે સિહોર શહેરને રેઢિયાળ ઢોરના ત્રાસથી મુક્તિ અપાવવા માટે નગરપાલિકા દ્વારા ગંભીરતા દાખવી ઢોર પકડવાની કાયમી ઝુંબેશ શરૂ રાખવામાં આવે તેવી લોકોની માંગ છે.