મહુવાના કુબેરબાગમાં આડેધડ પાર્કિંગની સમસ્યાથી વાહનચાલકો ગળે આવી ગયા
- ઈમરજન્સી સેવાના વાહનોને પસાર થવામાં વેઠવી પડતી હાલાકી
- બાંધકામના માલસામાનના પણ રસ્તા ઉપર થડકલા ખડકી રાખવામાં આવે છે, નગરપાલિકા અને પોલીસ તંત્રના આંખ આડા કાન
મહુવાના કુબેરબાગ વિસ્તારને ડોક્ટર હાઉસ કહીં શકાય તેમ છે. આ વિસ્તારમાં ઘણી હોસ્પિટલો આવેલી છે. જેથી એમ્બ્યુલન્સ સહિત ઈમરજન્સી સેવાના વાહનોની સતત અવર-જવર રહે છે. પરંતુ અહીં કન્સ્ટ્રક્શનના કામો ચાલતા હોવાથી રસ્તા ઉપર સીમેન્ટ, કપચી, રેતી વગેરે મટીરિયલ્સ તેમજ બાંધકામને લગતા સાધનો રસ્તા ઉપર જ પડયાં રહે છે. તેમજ બિલ્ડરોના વાહનો પણ રોડ વચ્ચે જ પાર્ક કરેલા રાખવામાં આવતા હોવાથી નાના-મોટા વાહનચાલકો, ઈમરજન્સી સેવાના વાહનો વગેરેને પસાર થવામાં હાલાકીનો સામનો કરવો પડે છે. આડેધડ વાહન પાર્કિંગ કરતા લોકોને તંત્રનો કોઈ ડર જ ન હોય તેમ નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. આ કારણે અહીં ટ્રાફિક સમસ્યા કાયમી બની છે. તેમ છતાં નગરપાલિકા અને પોલીસ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. હોસ્પિટલોથી ધમધમતા કુબેરબાગ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા નગરપાલિકા તંત્રએ બાંધકામને લગતા માલસામાનનો રસ્તા ઉપર રાખનાર લોકો સામે તેમજ રસ્તા ઉપર મનફાવે તેમ વાહન પાર્ક કરનારા વાહનચાલકો સામે પોલીસ વિભાગે દંડનિય કાર્યવાહી કરવી જોઈએ તેવી લોકોમાં માંગણી ઉઠી છે.