આણંદના માર્કેટયાર્ડોમાં શાકભાજીની આવક વધતાં ભાવમાં નોંધપાત્ર ઘટાડો
- ડિસેમ્બરની શરૂઆતમાં ભાવ આસમાને પહોંચ્યા હતા
- મેથી, મુળા, ફ્લાવરના પ્રતિ 20 કિલોએ રૂ.150 થી 500 નો ભાવ : લીલાં લસણનો ભાવ કિલોનો 200 એ પહોંચ્યો
આણંદ : આણંદ સહિત રાજ્યભરમાં ઓગસ્ટમાં થયેલા મુશળધાર વરસાદના કારણે શાકભાજીમાં નુકસાન પહોંચ્યું હતું. તેમજ કેટલાક ખેડૂતોએ મોડું વાવેતર કર્યું હતું. પરિણામે ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા હતા.
પરંતુ ધીમે ધીમે માર્કેટયાર્ડમાં શાકભાજીની આવક શરૂ થતાં ભાવમાં ઘટાડો નોંધાયો છે. ભાવ ઘટતા ગૃહિણીઓએ રાહતનો શ્વાસ લીધો છે.
શિયાળાની ઋતુ શરૂ થતાં સામાન્ય રીતે શાકભાજીના ભાવમાં ઘટાડો થતો હોય છે પરંતુ ચાલુ વર્ષે ગત પખવાડિયા સુધી લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા હતા. ગત ઓગસ્ટ માસમાં ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે શાકભાજી સહિતના પાકોને નુકસાન પહોંચ્યું હતું. ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી કેટલાક ખેડૂતોએ શાકભાજીનું મોડું વાવેતર કરતા ગત મહિનામાં શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો હતો. જોકે, હાલમાં એપીએમસી સહિત બજારોમાં શાકભાજીની આવક થતાં ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
આણંદના બોરસદ, આંકલાવ, આસોદર, ખંભાત, પેટલાદ, આણંદ એપીએમસીમાં હાલમાં મેથીની ભાજીના પ્રતિ ૨૦ કિલોના રૂ.૧૫૦થી ઓછા, મુળાના પ્રતિ ૨૦ કિલોના રૂ.૩૦૦, ફ્લાવર અને કોબીજના પ્રતિ ૨૦ કિલો રૂ.૫૦૦ હરાજીમાં ભાવ બોલાઈ રહ્યો છે. તેમજ લીલી ડુંગળી, લીલું લસણ, પાલક, ટીંડોળા, બટાકા સહિતના ભાવોમાં ઘટાડો નોંધાયો છે. પરિણામે ઘરોમાં ઉંધીયું, ઓળો, ભજીયા, ઢેબરા સહિતના લીલા શાકભાજીમાંથી બનતા પકવાનો બનાવવાનું શરૂ થઈ ગયું છે.
પોષણક્ષમ ભાવ ન મળતા પશુઓને ભાજી ખવડાવાય છે
જાન્યુઆરી મહિનામાં માર્કેટ યાર્ડમાં મેથીની ભાજીના ક્યારેક પ્રતિ ૨૦ કિલોએ માંડ રૂ.૫૦થી ૮૦ મળતા હોવાથી આણંદ જિલ્લાના ખેડૂતો ભાજી વેચવાને બદલે દાન પુણ્ય કમાવવા માટે રખડતા પશુઓને ખવડાવતા હોય છે.
બજારમાં મળતા ભાવ કરતા મજૂરી વધુ થતી હોવાથી ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવતો હોય છે.
શાકભાજી |
ભાવ
(પ્રતિ કિલો) |
મેથી |
૨૦ |
લીલી
ડુંગળી |
૩૦ |
મુળા |
૩૦ |
પાલક |
૩૦ |
સવાની
ભાજી |
૭૦ |
ફ્લાવર |
૪૦ |
ટીંડોળા |
૪૦ |
રીંગણા |
૩૦ |
વટાણા |
૫૦ |
ગાજર |
૩૦ |
બટાકા |
૩૦ |
ડુંગળી |
૨૦ |
કોથમીર |
૧૦૦ |
લીલું લસણ |
૨૦૦ |