જામનગરમાં બે વૃદ્ધ મિત્રોએ વ્યાજખોરો ત્રાસથી કર્યો આત્મહત્યાનો પ્રયાસ, વ્યાજે લીધા હતા એક કરોડ રૂપિયા
Jamnagar Suicide Case : જામનગરમાં શરૂ સેક્સન રોડ પર ગોલ્ડન સીટી નજીક એક કારમાં બે વયોવૃદ્ધ મિત્રોએ ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરવા અંગેના પ્રકરણમાં તેમના પુત્રના નિવેદનના આધારે વ્યાજખોરોનું દબાણ કારણભૂત હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. બંનેના ભાગીદારીના ધંધામાં ખોટ જતાં બે વ્યાજખોરો પાસેથી એકાદ કરોડ રૂપિયા વ્યાજે લીધા બાદ તેની પઠાણી ઉઘરાણી અને પ્લોટ પચાવી પાડતાં આખરે હારી થાકીને આ પગલું ભરી લીધાનું એક બુઝુર્ગના પુત્ર દ્વારા પોલીસને જણાવાયું છે, જેથી પોલીસ આ મામલે બંને બુઝુર્ગ મિત્રો ભાનમાં આવે ત્યારે તેઓના નિવેદન નોંધવા માટેની રાહ જોઈ રહી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં શરૂ સેક્શન રોડ ગોલ્ડન સીટી વિસ્તારમાં સરલાબેન આવાસ પાસે પાર્ક કરેલી એક કારમાં અશોક વિપુલભાઈ ધોકિયા અને પરબતભાઈ ગોજીયા નામના બે મોટી ઉંમરના મિત્રો, કે જેઓએ કોઈ અકળ કારણોસર ઝેરી દવા પી લેતાં બંનેને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જેઓના આ પગલા અંગે પોલીસને જાણ થતાં સીટી સી. ડીવીઝનના પી.એસ.આઇ. તુરતજ બનાવના સ્થળે અને ત્યારબાદ જી.જી. હોસ્પિટલે દોડી ગયા હતા. પરંતુ બંને બુઝુર્ગ બેભાન અવસ્થામાં હોવાથી તેઓના નિવેદન નોંધી શક્યા ન હતા અને તેમના નિવેદનો નોંધવા માટેની રાહ જોવાઈ રહી છે.
જે દરમિયાન એક બુઝુર્ગના પુત્ર સાથેની વાતચીત અને નિવેદનમાં પોલીસને એવું જાણવા મળ્યું હતું, કે બંને મિત્રો કે જેઓએ ભાગીદારીમાં એક ફેક્ટરી ઊભી કરી હતી અને કોરોના કાળ દરમિયાન તે ફેક્ટરીમાં ખોટ જતાં જામનગરના જ બે વ્યક્તિઓ પાસેથી આશરે એકાદ કરોડ રૂપિયા વ્યાજે લીધા હતા. જેનું મોટી વ્યાજની રકમ ચૂકવતા હતા અને સાથો સાથ તેઓની જમીનના દસ્તાવેજ પણ વ્યાજખોરોએ કરાવી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેઓના ત્રાસ-દબાણના કારણે બંનેએ આ પગલું ભરી લીધું હોવાનું એક બુઝુર્ગના પુત્રનું કહેવું છે.
જેના આધારે પોલીસ સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે, અને બંને બુઝુર્ગ ભાનમાં આવી જાય, ત્યારબાદ તેઓના નિવેદનના આધારે જે કોઈ કસૂરવાર હશે, તો તેઓ સામે ફરિયાદ નોંધવામાં આવશે, તેમ પોલિસ વિભાગ દ્વારા જાણવા મળી રહ્યું છે. આ બનાવને લઈને જામનગર શહેરમાં ભારે ચર્ચા જાગી છે.