વલ્લભીપુરથી પાટી ગામના માર્ગની ખખડધજ હાલતથી ભારે હાલાકી
- જવાબદાર અધિકારીઓની ઉદાસીનતાથી લોકોમાં રોષ
- ચોમાસામાં રોડ પર પાણી ફરી વળતા હોય ગામ છાસવારે સંપર્કવિહોણુ થઈ જાય છે
વલ્લભીપુરથી તાલુકાના પાટી ગામનું અંતર ૩ કિ.મી.જેવુ થાય છે. પાટી ગામના વેપારીઓનું હટાણું તેમજ લોકોની જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓની ખરીદીનું કેન્દ્ર વલ્લભીપુર છે. આ ગામમાં મોટા ભાગે પશુપાલનનો વ્યવસાય હોવાથી પશુપાલકોને દિવસમાં ચારથી પાંચ વાર વલ્લભીપુર આવવાનું રહેતું હોય છે. આ ગામ જવાનો રોડ વર્ષોથી તૂટી ગયો છે. અત્રે ઠેર-ઠેર મોટા ખાડાઓ પડી જવા પામ્યા છે. ચોમાસામાં રોેડ ઉપર પાણી ફરી વળતા હોય જેથી ત્રણ -ચાર દિવસ પાટીગામ સંપર્ક વિહોણું થઇ જાય છે.ગ્રામજનો દ્વારા સંબંધિત જવાબદાર તંત્રને અનેકવાર મૌખિક ફરિયાદો કરાઈ છે પરંતુ પેધી ગયેલા જવાબદાર અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. તેમજ નેતાઓ પણ આ નાનું ગામ હોવાથી રસ લેતા ન હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યુ છે. સામાજિક કાર્યકર જીતેન્દ્રસિંહ ગોહિલએ આ રોડ તાત્કાલિક નવો અથવા રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ કરી છે.