આણંદની ગામડી પોલીસ ચોકીમાં જ કર્મીઓએ ફરિયાદીને ઢોર માર માર્યો
- વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં તપાસ શરૂ કરાઈ : ડીવાયએસપી
- ત્રણથી ચાર પોલીસ કર્મીઓએ અરજદારને ઉપરાછાપરી લાફા ઝીંકતા કાનમાં ઈજાઓ થતા વડોદરા રિફર કરાયો : મામલો દબાવવાના પ્રયાસો
- ચોકીની બારીમાંથી વીડિયો ઉતાર્યો હોવાનું અનુમાન
આણંદ: આણંદની ગામડી પોલીસ ચોકીમાં ફરજ બજાવતા ત્રણથી ચાર પોલીસ કર્મચારીઓએ અકસ્માત અંગે ફરિયાદ આપવા ગયેલા શખ્સ સાથે ગાળાગાળી કરી માર માર્યો હોવાનો કથિત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જ્યારે પોલીસ કર્મીઓ આ યુવકને માર મારી રહ્યા હતા ત્યારે કોઈએ પોલીસ ચોકીની બારીમાંથી વીડિયો ઉતારી લીધો હતો. જોકે, વિડિયો વાયરલ થતાની સાથે જ પોલીસ દ્વારા સમગ્ર મામલાને દબાવવાનો પ્રયાસ હાથ ધરાયા હોવાની પણ ચર્ચાઓ ઉઠી છે.
આણંદ પાસેના ગામડી ગામે આવેલા ત્રિકમ નગરમાં રહેતા વ્યક્તિના ભાઈને ગતરોજ એક ટેમ્પો ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેથી અકસ્માત કરનારા ટેમ્પી ચાલક સામે ફરિયાદ નોંધાવવા માટે અકસ્માતનો ભોગ બનનારના ભાઈ ગામડી પોલીસ ચોકી ખાતે પહોંચ્યા હતા.
દરમિયાન પોલીસ ચોકીમાં હાજર ત્રણથી ચાર પોલીસ કર્મીઓએ તેઓને અંદર બોલાવી અપશબ્દો બોલી માર મારવાનું શરૂ કર્યું હતું. પોલીસ કર્મીઓ દ્વારા ઉપરા છાપરી લાફા ઝીંકી દેવામાં આવતા અરજદારને કાનના ભાગે ઇજાઓ પહોંચી હતી. જેથી તેમને આણંદની જનરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ અંગે અરજદારના જણાવ્યા મુજબ, તેઓ ભાઈને લઈ પોલીસ ચોકીમાં ફરિયાદ કરવા ગયા હતા.
ત્યાં હાજર ૩થી ૪ પોલીસ કર્મીએ ફરિયાદ નોંધવાના બદલે અંદર બોલાવી ઢોર માર મારતા તેઓ ચોકીની બહાર આવતા પડી ગયા હતા.
આ અંગે આણંદના ડીવાયએસપી જે.એન. પંચાલે જણાવ્યું હતું કે, પોલીસ કર્મીઓ દ્વારા ફરિયાદીને માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો વાયરલ થયો હોવાની વાત જાણવા મળતા હાલ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.
જોકે બીજી તરફ પ્રજાના રક્ષકો દ્વારા ફરિયાદીને પોલીસ ચોકીમાં જ માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ દ્વારા ગમે તે રીતે સમાધાન કરી મામલો રફેદફે કરવા ભરપૂર પ્રયાસો હાથ ધરાયા હોવાની પણ ચર્ચાઓ આણંદ સિટીમાં ઉઠવા પામી હતી.