Get The App

રાજકોટ અગ્નિકાંડ : ગેમ ઝોન શરૂ કરાવનારા પોલીસ અધિકારીઓને તેના જ વિભાગે ક્લિનચીટ આપી

Updated: Jun 27th, 2024


Google NewsGoogle News
Rajkot Gamezone Fire


Rajkot Gamezone Fire: ટીઆરપી ગેમઝોન શરૂ ન થયો હોત અથવા તોડી પડાયો હોત કે સીલ કરાયો હોત તો ગુજરાતના ઈતિહાસનો અત્યંત દર્દનાક અગ્નિકાંડ સર્જાયો ન હોત એ નાનુ છોકરું પણ સમજી શકે છે. પરંતુ, રાજકોટ અને સરકારની સીટ દ્વારા એક માસથી ચાલતી તપાસમાં ગેમઝોનનું ડિમોલીશન કરવા નોટિસ આપનાર ટી.પી.વિભાગના પાંચ ઉચ્ચ અધિકારીઓને ગુનેગાર માનીને જેલ ભેગા કરી દીધા છે. 

ગેમઝોન શરૂ કરવાનું લાયસન્સ આપનારને ક્લિનચીટ

આ ગેમઝોન શરૂ કરવાનું લાયસન્સ આપનાર પોલીસ અને આ બધા ઉપર સત્તા ધરાવતા ઉચ્ચ અફ્સરો અને પદાધિકારીઓનો હજુ વાળ વાંકો થયો નથી. પોલીસે કઈ રીતે પોલીસ સહિતના તંત્રોને ક્લીન ચીટ આપી દીધી છે તે સવાલ હવે પ્રજાજનોમાં પણ ઘુમરાઈ રહ્યો છે.

એક સમયે બાંધકામ બંધ કરાવવા કાર્યવાહી કરી હતી

વિગત એવી છે કે ટી.પી.ઓ. એમ.ડી.સાગઠીયા, એ.ટી.પી. મકવાણા, ગૌતમ જોષી વગેરેને અગ્નિકાંડના ગંભીર ગુનામાં ધરપકડ કરીને રિમાન્ડ પર લેવાયા હતા. ધરપકડ પૂર્વે ટીપી શાખાએ જાહેર કર્યું હતું કે એ.ટી.પી.મકવાણાએ સ્થળ ઉપર જઈને એક સમયે બાંધકામ બંધ કરાવવા કાર્યવાહી કરી હતી. 

પોલીસ તપાસ અનુસાર આ ટી.પી.અફ્સરોનો ગુનો એ હતો કે તેમણે આ ગેમઝોનને નોટિસ બાદ કલમ 260(2) હેઠળ આ બાંધકામ તોડી પાડવા માટે આદેશ કર્યો હતો પરંતુ, તેનો આગ લાગી ત્યાં સુધી અમલ કર્યો ન્હોતો. 

ડિમોલીશનની કામગીરી ન કરી તે માટે ગુનેગાર 

આમ, ટી.પી.વિભાગે ગેમઝોનને તોડી પાડવા નોટિસ આપી અડધી કામગીરી કરી અને મૂળ ડિમોલીશનની કામગીરી ન કરી તે માટે ગુનેગાર છે પરંતુ, પોલીસ વિભાગે તો ત્રણ મોટી ક્ષતિઓ આચરી છે. 

(1) ગેમઝોનમાં ફાયર એન.ઓ.સી. કે ફાયર સેફ્ટી પણ નહીં હોવા છતાં બૂકીંગ લાયસન્સ આપ્યું જેના આધારે તે ધમધમતું થયું.

(2) ચીફ ફાયર ઓફિસરને પોલીસે બૂકીંગ લાયસન્સની નકલ જાણ સારુ રવાના કરી પરંતુ, અગાઉથી અહીં આગ લાગવાની શક્યતા છે કે નહીં તે માટે અભિપ્રાય નથી માંગ્યો.

(3) જેને લાયસન્સ આપ્યું તે શરતોનું પાલન કરે છે કે નહીં તે ચેકીંગ કરવાની પણ જવાબદારી હોય છે, પોલીસે સ્થળ ચેકીંગ કર્યાનું બહાર આવ્યું નથી. જો આગ પૂર્વે ચેકીંગ કર્યું હોત તો ત્યાં જવલનશીલ પદાર્થ અંગે તેની સામે ગુનો નોંધાયો હોત અને આવો પદાર્થ દૂર થઈ શક્યો હોત.

પોલીસના બૂકીંગ લાયસન્સની પ્રક્રિયાની ફાઈલ ગૂમ

પોલીસની સૌથી મોટી ક્ષતિ જે સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળની સીટમાં પણ ખુલી હતી તે મૂજબ પોલીસના બૂકીંગ લાયસન્સની પ્રક્રિયાની ફાઈલ ગૂમ થઈ છે. આ ફાઈલ ગૂમ થવા માટે કે કરવા માટે કોઈ ગુનો નોંધાયો નથી કે કોઈની સામે પગલા લેવાયા નથી. 

બીજી તરફ, ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરની એટલા માટે ધરપકડ કરાઈ કે તેને ગેમઝોન ફાયર એન.ઓ.સી વગર ચાલતું હોવાની માહિતી બે રીતે હતી, એક તો અગાઉ સપ્ટેમ્બર-2023માં ત્યાં આગ લાગી હતી અને બીજું પો.કમિ.ના બૂકીંગ લાયસન્સની નકલ તેમને મોકલાઈ હતી. આ રીતે ખેર સંડોવાયેલા જણાયા પરંતુ ફાયર એન.ઓ.સી.પોલીસમાં રજૂ નથી કર્યું છતાં તેને બૂકીંગ કરીને ધમધમતુ કરવા લાયસન્સ આપનાર પોલીસની કોઈ જવાબદારી સીટને જણાઈ નથી.

રાજકોટ અગ્નિકાંડ : ગેમ ઝોન શરૂ કરાવનારા પોલીસ અધિકારીઓને તેના જ વિભાગે ક્લિનચીટ આપી 2 - image



Google NewsGoogle News