કોર્ટમાં કરેલી રિમાન્ડ અરજી પોલીસને પરત ખેંચવી પડી
હોટલના એક ભાગીદારે કરેલી આગોતરા જામીન અરજીની આજે સુનાવણી
વડોદરા,હરણી વારસિયા રીંગ રોડ પર આવેલી હોટલમાં ચાલતા કૂટણખાના પર પોલીસે દરોડો પાડયો હતો. આ હોટલ ભાડે ચલાવવા લેનાર ભાડૂતને વારસિયા પોલીસે ઝડપી પાડયો છે. ભાડૂતને રિમાન્ડ પર લેવા માટે પોલીસે કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ, તે અરજી વિડ્રો કરવાનો વારો આવ્યો હતો.
હરણી વારસિયા રીંગ રોડ પર બેન્કર હોસ્પિટલની પાછળ આવેલ શ્રીજી વિન્ડ ટાવર બી માં એચ.કે. વિલા હોટલમાં કૂટણખાનુ ચાલે છે. હોટલના ભાગીદારો મિનેશ જગદીશભાઇ ઠક્કર તથા રોનક યુવતીઓનો સંપર્ક કરી હોટલ પર બોલાવી હોટલમાં રાખી દેહ વ્યાપરનો ધંધો કરાવે છે. તેવી માહિતી મળતા વારસિયા પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ કરી બે ગ્રાહકોને ઝડપી પાડયા હતા. જ્યારે હોટલમાંથી છ કોલગર્લ મળી આવી હતી. આ કેસમાં હોટલના મેનેજર રમેશ ભીમજીભાઇ પટેલ (રહે. શ્રીજી બાલાજી વિન્ડ, એચ.કે.વિલા હોટલ, હરણી વારસિયા રીંગરોડ)ની આગોતરા જામીન અરજી નામંજૂર થતા તે પોલીસ સ્ટેશને હાજર થઇ ગયો હતો. પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ આ હોટલ મૂળ માલિકો પાસેથી ભાડે ચલાવવા લેનાર કનૈયાલાલ વાલજીભાઇ પટેલ (રહે. ટાંડા, તા.સેમારી,જિ.ઉદેપુર,રાજસ્થાન)ની પોલીસે ધરપકડ કરી હતી. વારસિયા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. પી.ડી.ચૌહાણે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર લેવા માટે અરજી કરી હતી. જેમાં એવો ઉલ્લેખ કર્યો હતો કે, અન્ય આરોપીને પકડવાના બાકી છે. તેમજ ભાડા કરાર પણ કબજે કરવાનો બાકી છે. પોલીસે જે આરોપીને પકવાના બાકી છે, તેવું જણાવ્યું હતું. તે આરોપીએ આગોતરા જામીન અરજી મૂકી હોવાની તેમજ ભાડા કરાર પોલીસ સમક્ષ રજૂ કરી દીધો હોવાની વિગત અંગે બચાવ પક્ષના વકીલે કોર્ટનું ધ્યાન દોર્યુ હતું. છેવટે પી.એસ.આઇ.ને રિમાન્ડ અરજી વિડ્રો કરવી પડી હતી.