ગેમઝોન શરૂ કરાવનારા પોલીસના અફ્સરોને પોલીસે ક્લીનચીટ આપી
પોલીસમાંથી ગૂમ કરાયેલી ફાઈલ અંગે હજુ ગુનો નોંધાયો નથી : તેને બંધ કરાવનારા અને તોડી નહીં પાડનારા ગુનેગાર અને શરૂ કરવા લાયસન્સ આપનાર દૂધે ધોયેલા! રાજકોટ સિટની તપાસ સામે સવાલો
રાજકોટ, : ટીઆરપી ગેમઝોન શરૂન થયો હોત અથવા તોડી પડાયો હોત કે સીલ કરાયો હોત તો ગુજરાતના ઈતિહાસનો અત્યંત દર્દનાક અગ્નિકાંડ સર્જાયો ન હોત એ નાનુ છોકરું પણ સમજી શકે છે. પરંતુ, રાજકોટ અને સરકારની સિટ દ્વારા એક માસથી ચાલતી તપાસમાં ગેમઝોનનું ડિમોલીશન કરવા નોટિસ આપનાર ટી.પી.વિભાગના પાંચ ઉચ્ચ અધિકારીઓને ગુનેગાર માનીને જેલભેગા કરી દીધા છે ત્યારે આ ગેમઝોન શરૂકરવાનું લાયસન્સ આપનાર પોલીસ અને આ બધા ઉપર સત્તા ધરાવતા ઉચ્ચ અફ્સરો અને પદાધિકારીઓનો હજુ વાળ વાંકો થયો નથી. પોલીસે કઈ રીતે પોલીસ સહિતના તંત્રોને ક્લીન ચીટ આપી દીધી છે તે સવાલ હવે પ્રજાજનોમાં પણ ઘુમરાઈ રહ્યો છે.
વિગત એવી છે કે ટી.પી.ઓ. એમ.ડી.સાગઠીયા, એ.ટી.પી. મકવાણા, ગૌતમ જોષી વગેરેને અગ્નિકાંડના ગંભીર ગુનામાં ધરપકડ કરીને રિમાન્ડ પર લેવાયા હતા. ધરપકડ પૂર્વે ટીપી શાખાએ જાહેર કર્યું હતું કે એ.ટી.પી.મકવાણાએ સ્થળ ઉપર જઈને એક સમયે બાંધકામ બંધ કરાવવા કાર્યવાહી કરી હતી.પોલીસ તપાસ અનુસાર આ ટી.પી.અફ્સરોનો ગુનો એ હતો કે તેમણે આ ગેમઝોનને નોટિસ બાદ ક.260(2) હેઠળ આ બાંધકામ તોડી પાડવા માટે આદેશ કર્યો હતો પરંતુ, તેનો આગ લાગી ત્યાં સુધી અમલ કર્યો ન્હોતો.
આમ, ટી.પી.વિભાગે ગેમઝોનને તોડી પાડવા નોટિસ આપી અર્ધી કામગીરી કરી અને મૂળ ડિમોલીશનની કામગીરી ન કરી તે માટે ગુનેગાર છે પરંતુ, પોલીસ વિભાગે તો ત્રણ મોટી ક્ષતિઓ આચરી છે (1) ગેમઝોનમાં ફાયર એન.ઓ.સી. કે ફાયર સેફ્ટી પણ નહીં હોવા છતાં બૂકીંગ લાયસન્સ આપ્યું જેના આધારે તે ધમધમતું થયું. (2) ચીફ ફાયર ઓફિસરને પોલીસે બૂકીંગ લાયસન્સની નકલ જાણ સારૂરવાના કરી પરંતુ, અગાઉથી અહીં આગ લાગવાની શક્યતા છે કે નહીં તે માટે અભિપ્રાય નથી માંગ્યો. (3) જેને લાયસન્સ આપ્યું તે શરતોનું પાલન કરે છે કે નહીં તે ચેકીંગ કરવાની પણ જવાબદારી હોય છે, પોલીસે સ્થળ ચેકીંગ કર્યાનું બહાર આવ્યું નથી. જો આગ પૂર્વે ચેકીંગ કર્યું હોત તો ત્યાં જવલનશીલ પદાર્થ અંગે તેની સામે ગુનો નોંધાયો હોત અને આવો પદાર્થ દૂર થઈ શક્યો હોત.
અને પોલીસની સૌથી મોટી ક્ષતિ જે સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળની સિટમાં પણ ખુલી હતી તે મૂજબ પોલીસના બૂકીંગ લાયસન્સની પ્રક્રિયાની ફાઈલ ગૂમ થઈ છે. આ ફાઈલ ગૂમ થવા માટે કે કરવા માટે કોઈ ગુનો નોંધાયો નથી કે કોઈની સામે પગલા લેવાયા નથી.
બીજી તરફ, ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરની એટલા માટે ધરપકડ કરાઈ કે તેને ગેમઝોન ફાયર એન.ઓ.સી. વગર ચાલતું હોવાની માહિતી બે રીતે હતી,એક તો અગાઉ સપ્ટેમ્બર-૨૦૨૩માં ત્યાં આગ લાગી હતી અને બીજું પો.કમિ.ના બૂકીંગ લાયસન્સની નકલ તેમને મોકલાઈ હતી. આ રીતે ખેર સંડોવાયેલા જણાયા પરંતુ ફાયર એન.ઓ.સી.પોલીસમાં રજૂ નથી કર્યું છતાં તેને બૂકીંગ કરીને ધમધમતુ કરવા લાયસન્સ આપનાર પોલીસની કોઈ જવાબદારી સિટને જણાઈ નથી. માત્ર મહાપાલિકાના અધિકારીઆ ઉપર દોષનો ટોપલો ઢોળીને પદાધિકારીઓ, પોલીસના અધિકારીઓ, આઈ.એ.એસ.-આઈ.પી.એસ. અધિકારીઓ, અને પીડડબલ્યુ.ડી. વગેરેને બચાવી લેવાયાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. આથી સિટની તપાસ સામે જ તપાસ કરવાની જરૂર છે.