મુસાફરોની કમર અને વાહનોની કમાન તૂટી જાય તેવી દિહોર-વરલ રોડની દુર્દશા
- દિહોર અને આજુબાજુના 25 ગામના લોકોને કાયમી મુશ્કેલી
- રસ્તાને ડબલપટ્ટીનો કરવા ૧૫ વર્ષથી માંગ છતાં કોઈ સાંભળતું નથી, ફૂટ-દોઢ ફૂટના ખાડા છતાં રિપેરીંગ કરવામાં પણ આળસ
તળાજાના દિહોર અને આજુબાજુના સમઢિયાળા, બેલા, ચુડી, હમીરપરા, મામસી સહિતના ૨૫ ગામના લોક હટાણું કરવા સિહોર અવર-જવર કરે છે. સિહોરને જોડતો દિહોર-વરલ રોડ છેલ્લા ઘણાં સમયથી એકદમ ભંગાર બની ગયો છે. આ રસ્તા પર અનેક એસ.ટી. બસ ચાલે છે, અલંગના ભારે વાહનો પણ આ જ રસ્તાનો ઉપયોગ કરે છે. તેમજ દિહોરથી વરલ, ટાણા, સિહોર જવા માટે પુષ્કળ મુસાફરોની અવર-જવર રહે છે. તેમ છતાં સીંગલપટ્ટી રોડના જાણે કોઈ ઠેકાણા જ ન હોય તેમ ઠેક-ઠેકાણે ફૂટથી દોઢ ફૂટના ઊંડા ખાડા પડી ગયા છે. રોડની બન્ને સાઈડ ઘણી ઊંડી કટ પડી ગઈ છે. જેથી મોટા વાહનો પસાર થાય ત્યારે નાના વાહનોને જીવના જોખમે ફરજિયાત વાહન નીચે ખાડામાં ઉતારવું પડે છે.
વાહનની કમાન અને મુસાફરોની કમર તૂટી જાય એટલી હદે આ રસ્તાની દુર્દશા થઈ ગઈ છે. તેમ છતાં તંત્રને આ રસ્તાનું રિપેરીંગ કામ કરવાનું સુઝતું નથી. રસ્તો રિપેરીંગ કરવામાં સરકારી તંત્રની સાથે રાજકીય નેતાઓ પણ આળસ કરી રહ્યા છે. જેના કારણે હજારો લોકોને ઊંટસવારીનો અહેસાસ કરવો પડી રહ્યો છે. રસ્તાની ઉપયોગીતા જોતા છેલ્લા ૧૫ વર્ષથી દિહોર-વરલને જોડતા રસ્તાને ડબલપટ્ટી બનાવવાની માંગ થઈ રહી છે. તેમ છતાં કોઈના પેટનું પાણી હલતું ન હોય, દિહોર પંથકના લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
રાજકીય કિન્નાખોરીના કારણે પણ રોડ બનતો ન હોવાની ચર્ચા
દિહોર-વરલ રોડની દુર્દશાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. છેલ્લા ૧૫ વર્ષથી અનેક વખત રજૂઆતો કરવા છતાં સીંગલપટ્ટી રસ્તાને ડબલપટ્ટી કરવામાં આવી રહ્યો નથી. ખખડધજ માર્ગની આવી દુર્દશા પાછળ રાજકીય કિન્નાખોરી પણ કારણભૂત હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. જિલ્લા પંચાયતની દિહોર સીટ ઉપર છેલ્લા ૧૫ વર્ષથી કોંગ્રેસના સભ્ય ચૂંટાઈ રહ્યા છે. તો તાલુકા-જિલ્લામાં ભાજપનું શાસન હોવાથી આ રસ્તાને રામ ભરોસે તરછોડવામાં આવ્યો હોવાનો બળાપો ઠાલવવામાં આવી રહ્યો છે. વળી, રાજ્ય કક્ષાનો રસ્તો હોવાથી સ્થાનિક વહીવટી તંત્ર પણ સમારકામ માટે ધ્યાન આપતું ન હોવાનો રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.