IPS હનીટ્રેપ પ્રકરણમાં મોટો ખુલાસો,યુવતીનો ફોટો કરાઇનો નહી માઉન્ટ આબુનો હતો
ચર્ચામાં આવેલી યુવતી કરાઈ ખાતે અઢી વર્ષ પહેલા ગઈ હતી
આ યુવતી ઈન્દોરની નહીં પણ ગુજરાતની હોવાનું તપાસમાં ખુલ્યું
ગાંધીનગર, 27 ડિસેમ્બર 2022, મંગળવાર
ગુજરાતના કરાઇ પોલીસ એકેડેમી ખાતે એક યુવતીએ IPS અધિકારીઓને હનીટ્રેપમાં ફસાવીને એક કરોડ રૂપિયા જેટલી રકમમાં સેટલમેન્ટ કરી હોવાની કથિત ચર્ચાઓ વાયરલ થઈ હતી. જેમાં કરાઇ પોલીસ તાલીમ એકેડમીમાં ઘોડેસવારી શીખવા આવનાર ઇન્દોરની યુવતીએ IPS અધિકારીને હનીટ્રેપમાં ફસાવીને એક કરોડની રકમ સમાધાન માટે લીધા હોવાની ચર્ચા હતી. આ સાથે યુવતીએ અન્ય પોલીસ અધિકારીઓને ટારગેટ કરાયાનું પણ ચર્ચામાં આવતા ગૃહવિભાગે શુક્રવારે હનીટ્રેપ મામલે તપાસ કરવા માટેના આદેશ આપ્યા હતા. તે ઉપરાંત DGPએ પણ આ બાબતે તપાસ શરૂ કરાવી હતી. જેમાં આ બાબત પાયાવિહોણી હોવાનું પુરવાર થયું છે.
DGPએ કરાવેલી તપાસમાં એવું બહાર આવ્યું હતું કે, યુવતી આઠ મહિના પહેલા કરાઈ પોલીસ એકેડેમી ખાતે તાલીમ મેળવવા આવી હોવાની ચર્ચાઓ હતી. પરંતુ હકિકતમાં આવી કોઈ યુવતી હોર્સ રાઈડિંગની તાલીમ મેળવવા આવી નથી. એકેડેમી ખાતે માત્ર પોલીસ અધિકારીઓને જ હોર્સ રાઈડિંગની તાલીમ આપવામાં આવે છે. તપાસમાં એવી પણ વાત બહાર આવી છે કે ચર્ચામાં આવેલી યુવતી અશ્વશાળામાં કામ કરતા એક કર્મચારીની પરિચીત હોવાથી માત્ર અઢી વર્ષ પહેલાં આવી હતી. જે પોતાના ભાઈ સાથે ઘોડા પર ફોટો પડાવવા માટે ગઈ હતી.
આ તપાસમાં સંબંધિત યુવતીનું તથા તેના પરિવારના સભ્યોના વિગતવાર નિવેદન લેવામાં આવ્યા હતાં. જેમાં યુવતીએ પ્રસિદ્ધ થયેલા સમાચાર મુજબનો કોઈ બનાવ બન્યો નથી એવું જણાવ્યું હતું. આ તપાસમાં યુવતીના સોશિચલ મીડિયા એકાઉન્ટની પણ તપાસ કરવામાં આવી હતી. આ યુવતી સોશિયલ મીડિયામાં એક હજારથી વધુ પોલીસ કર્મીઓને ફોલો કરે છે અને કોઈ બાબત સારી લાગે તો તેને પોતાના સ્ટેટસમાં અપલોડ કરે છે. આ યુવતી ઈન્દોરની નહીં પણ ગુજરાતની હોવાનું તપાસમાં ખુલ્યું છે.
તપાસ દરમિયાન એવું પણ બહાર આવ્યું છે કે, આ યુવતી અત્યાર સુધીમાં કોઈ IPS અધિકારીને મળી નથી. જે ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે તેમાંથી માત્ર બે ફોટા જ કરાઈ ખાતેના જુલાઈ 2020ના છે. તે સિવાયના ફોટા અન્ય સ્થલો પર યુવતીએ કરેલી હોર્સ રાઈડિંગના છે. સોશિયલ મીડિયામાં ફરતા થયેલા ફોટોગ્રાફ પૈકી કેટલાક ફોટો ગ્રાફ માઉન્ટ આબુના છે. આ તપાસ દરમિયાન યુવતીના પરિવારના સભ્યોની આશરે 75 પોલીસ કર્મીઓ, ખાનગી વ્યક્તિઓના નિવેદનો લેવામાં આવ્યાં છે. જેમાં તપાસ કરનાર ટીમને કોઈ તથ્ય મળ્યું નથી.