દર્દીઓને પણ સભ્ય બનાવી દેવાનું ભાજપનું કૌભાંડ, પર્દાફાશ થતાં કહ્યું- 'સોરી ભૂલ થઈ ગઈ'

Updated: Sep 18th, 2024


Google NewsGoogle News
Visnagar Civil Hospital


BJP Membership Campaign : ભાજપ દ્વારા સભ્યપદ અભિયાનની શરુઆત કરવામાં આવી ત્યારથી સતત વિવાદો થઈ રહ્યા છે. ભાજપના કાર્યકર્તાઓ આડેધડ યેનકેન પ્રકારે સભ્યો બનાવવા માટે મથામણ કરી રહ્યા છે. ક્યારેક વિદ્યાર્થીઓ તો ક્યારેક વાલીઓને સભ્યો બનાવ્યા અને હવે તો સિવિલના દર્દીઓને પણ સભ્ય બનાવવા લાગ્યા છે, ત્યારે વિસનગરના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના વિસ્તારમાં જ દર્દીને ભાજપના સભ્ય બનાવાના કૌભાંડનો મોટો પર્દાફાશ થયો છે. જો કે, એક દર્દીની જાગૃતતા લીધે સમગ્ર પોલ ઉઘાડી પડી છે. 



કયા કારણથી થયો વિવાદ?

વિસનગરના ચોંકાવનારા કિસ્સાની વાત કરીએ તો, વિકુંભા દરબાર પોતાની પત્નીને ઇન્જેક્શન અપાવવા વિસનગર સિવિલ હૉસ્પિટલમાં ગયા હતા. ત્યારે ત્યાં હાજર એક કર્મચારીએ તેમને પૂછ્યું હતું કે, શું તમારે ઇન્જેક્શન લગાવવાનું છે? તો તેમણે હા પાડી હતી, ત્યારે તે કર્મચારીએ દર્દી પાસે મોબાઇલ પર ઓટીપી આવ્યો હશે તે આપવા કહ્યું. ત્યારે વિકુંભા દરબારના પત્નીએ સમજ્યા વિચાર્યા વિના ઓટીપી આપી દીધો હતો. 

આ પણ વાંચો : ચંદ્ર અને મંગળ પછી શુક્ર મિશનને પણ કેબિનેટની મંજૂરી, ગ્રહના અભ્યાસ માટે 1236 કરોડની ફાળવણી

દર્દીના સગાએ મચાવ્યો હોબાળો

સિવિલના કર્મચારીએ ઓટીપી માંગ્યો હોવાની વાતની વિકુંભા દરબારને જાણ થતાં તેમણે પૂછ્યું હતું કે, શા માટે ઓટીપી માંગો છો? તે દરમિયાન તેમના મોબાઇલ પર ભાજપના સભ્ય બનાવવામાં આવ્યા હોવાનો મેસેજ આવતાં તેઓ ભડક્યા હતા અને તેમને અંધારામાં રાખીને પૂછ્યા વિના ભાજપના સભ્ય બનાવવાને લઈને હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ હાજર કર્મચારીએ ભૂલથી લેવાઈ ગયો હોવાની વાત કરી મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. 

કર્મચારીએ ભૂલ સ્વીકારી માગી માફી

વિકુંભા દરબારે સિવિલ હૉસ્પિટલના આરએમઓની હાજરીમાં જ કર્મચારીનો ઉધડો લીધો, સાથે જ આરએમઓને પણ સવાલ કર્યા. ઓટીપી માગનાર કર્મચારીએ પહેલા તો કહ્યું કે અમે કોઈ પાસેથી બળજબરીપૂર્વક ઓટીપી લેતા નથી. પરંતુ વિવાદ વકરતાં આખરે કર્મચારીએ ભૂલ સ્વીકારી હતી અને માફી માંગી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતાં વિવાદ વધુ વકર્યો છે.

સિવિલ સુપ્રિટેન્ડેન્ટે કર્યો લૂલો બચાવ

આ સમગ્ર મામલે વિસનગર સિવિલ સુપ્રિટેન્ડેન્ટ પારુલ પટેલે લૂલો બચાવ કર્યો અને ઘટના અંગે તેમને કોઈ ફરિયાદ મળી નથી તેવો દાવો કર્યો. જો કે, આ ઘટનાનો વાયરલ વીડિયો જોયા બાદ તેમણે તપાસ કરાવી તો જાણવા મળ્યું છે કે જેણે ઓટીપી માગ્યો હતો તે હંગામી કર્મચારી છે. તેને નીરજ એજન્સી દ્વારા મૂકવામાં આવ્યો હતો. વિવાદ વકરતાં તે સિવિલમાંથી જતો રહ્યો છે. સાથે જ એજન્સીના અગ્રણીઓની પૂછપરછ કરી આગળની કાર્યવાહી કરાશે તેવી વાત કરી હતી. 

આ પણ વાંચો : '100 સભ્યો બનાવો, 500 રૂા. લઇ જાઓ' ગુજરાત ભાજપના નગરસેવકનો વીડિયો વાયરલ

ભાવનગરમાં પણ બન્યો આવો કિસ્સો

આવો જ એક ચોંકાવનારો કિસ્સો ભાવનગર શહેરમાંથી સામે આવ્યો છે. જેમાં '100 સભ્યો બનાવો, 500 રૂપિયા લઈ જાઓ'ની ઓફર આપવામાં આવી. સોશિયલ મીડિયામાં ભાવનગરનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં શહેરના વોર્ડ નં.12ના ભાજપના નગરસેવક અને પૂર્વ સ્ટે. ચેરમેન યુવરાજસિંહ ગોહિલ લોકોને સદસ્યતા અભિયાન અંતર્ગત સભ્ય બનાવવાની સમજણ આપતાં નજરે પડે છે. જેમાં તેઓ જણાવે છે કે, સભ્ય બનાવતાં પૂર્વે જે-તે વ્યક્તિના મોબાઇલમાં ઓટીપી આવશે. તે વ્યક્તિ ઓટીપી આપે તો સભ્ય બનવા ઇચ્છુક છે, અન્યથા દબાણપૂર્વક સભ્ય ન બનાવવા.

વિદ્યાર્થીઓ-વાલીઓને પણ બનાવાયા સભ્યો?

આ અગાઉ સુરેન્દ્રનગરના અણીદ્રાની ખાનગી શાળાનો પણ વિવાદ સામે આવ્યો હતો. જેમાં ભાજપના શહેર પ્રમુખની આઇપીએસ શાળાના વિદ્યાર્થીઓને ભાજપના સદસ્ય બનાવ્યા હોવાના આક્ષેપ થયા હતા. તો વાલીઓને પણ આ પ્રકારના સભ્ય બનવા માટેના મેસેજની લિંક મોકલવામાં આવી હતી. જેથી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ શાળાને નોટિસ ફટકારીને દોષિતો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી.

આ પણ વાંચો : ભિલોડા નજીક ટ્રક-બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, માતા-પુત્રનું કમકમાટીભર્યું મોત

અત્રે ઉલ્લેખનીય છે ભાજપ દ્વારા ચાલી રહેલા સદસ્યતા અભિયાનમાં વધુ સભ્યો બનાવવાની હોડમાં કાર્યકરોથી લઈ હોદ્દેદારો અને પદાધિકારીઓ શામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો ઊભી થઈ રહી છે.


Google NewsGoogle News