નવી સિવિલના તાત્કાલિક સારવાર વિભાગમાં દર્દી ત્રણ કલાક રઝળ્યો
- તબીબી અધિક્ષકને જાણ થતા દર્દીને દાખલ કરાવ્યો, ડોકટર સ્ટાફને તતડાવીને સર્જરી વિભાગના ડોકટરોને મેમો આપ્યો
સુરત :
પાંડેસરામાં રહેતા પ્રોઢને પીઠમાં ચાંદા સહિતની તકલીફ હોવાથી સારવાર માટે નવી સિવિલમાં તાત્કાલિક સારવાર વિભાગમાં લાવ્યા હતા. જોકે ત્યાં ત્રણથી સાડા ત્રણ કલાક સુધી દર્દીને ડોકટરો યોગ્ય સારવાર વગર રઝળી રહ્યો હોવાથી હાલત કફોડી થઇ હતી.
પ્રાપ્ત વિગત મુજબ પાંડેસરામાં વિસ્તારમાં રહેતા ૫૬ વર્ષીય અશોકભાઇ મહેસુરીયાને પીઠના ભાગે ચાંદે પડેલા સહિતની તકલીફ હોવાથી તેમના પરિવારજનો આજે બપોરે સારવાર માટે નવી સિવિલમાં તાત્કાલિક સારવાર વિભાગમાં લાવ્યા હતા. જોકે ત્યાં હાજર અમુક ડોકટરો જરૃરી સારવાર આપતા ન હતા. જોકે દર્દી ત્યાં ત્રણથી સાડા ત્રણ કલાક સુધી યોગ્ય સારવાર મળવા વગર રઝળી રહ્યો હતો. જેથી દર્દી હાલક કફોડી બની રહી હતી. આખરે દર્દીના સંબંધીઓ સાંજે સિવિલના તબીબી અધિક્ષક ડો. ગણેશ ગોવેકરને આ અંગે ફરીયાદ કરી હતી. જેથી તબીબી અધિક્ષક તરત જાતે તાત્કાલિક સારવાર વિભાગમાં આવીને ત્યાં હાજર ડોકટર સહિતના સ્ટાફને સારવાર કેમ નહી આપી, જેવુ કહીને ખખડાવ્યા હતા. બાદમાં ડોકટરો દર્દીને જરૃરી સારવાર શરૃ કરીને મેડીસીન વિભાગના વોર્ડમાં દાખલ કર્યા હોવાનું સુત્રો કહ્યુ હતુ. સિવિલના તબીબી અધિક્ષક ડો. ગણેશ ગોવેકરે કહ્યુ કે, સર્જરી વિભાગના રેસીડન્ટ ડોકટરોને દર્દીને સમયસર જરૃરી સારવાર કેમ નહી આપી જેવો ખુલાસો પુછવા માટે મેમો આપ્યો હતો.
નોધનીય છે કે, સિવિલમાં તાત્કાલિક સારવાર વિભાગમાં અમુક રેસીડન્ટ ડોકટરો કેટલીક વખત દર્દીને જલ્દી સારવાર આપતા નથી અને સમયસર વોર્ડમાં દાખલ કરતા નથી. જેના લીધે કેટલીક વખત સી.એમ.ઓ સાથે અમુક રેસીડન્ટ ડોકટરો રકઝક કરતા હોય, આવા સંજોગમાં દર્દીને તકલીફ પડતી હોવાનું સુત્રો કહ્યુ હતું.