સિવિલના પેસેજમાં દુપટ્ટા અને સાડીનું કોર્ડન કરી નર્સિગ સ્ટાફે પ્રસૂતિ કરાવી
- નર્સિગ અગ્રણી કડીવાલાની પ્રસુતા પર નજર પડતા ડોકટર અને નર્સિંગ સ્ટાફને બોલાવી સ્થળ પર વ્યવસ્થા કરાઇ
સુરત :
નવસારી બજારમાં રહેતી ગર્ભવતી મહિલાની પ્રસુતિની પીડા ઉપાડતા નવી સિવિલ હોસ્પિટલમાં આવી હતી. જોકે સિવિલના પેસેજમાં જ પ્રસવ પીડાને પગલે અહી દુપટ્ટા અને સાડીથી કોર્ડન કરીને નર્સિંગ સ્ટાફે પ્રસૂતિ કરાવી હતી.
પ્રાપ્ત વિગત મુજબ નવસારી બજારમાં રહેતી ૨૪ વર્ષીય ગર્ભવતી પૂનમ અનિલ રાઠોડ આજે મંગળવારે સવારે પ્રસુતિની પીડા ઉપડતા માતા ગીતાબેન રીક્ષામાં નવી સિવિલ લાવ્યા હતા. રીક્ષામાંથી ઉતરીને પગપાળા વોર્ડમાં જતી વેળા પ્રસવપીડા વધી જતા ઓર્થોપેડિક વિભાગ પાસે પ્રસૂતા બેસી ગઇ હતી. ઓપીડીમાં કામ અર્થે જતા નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલાની નજર પ્રસવપીડાથી કણસતી પ્રસૂતા પર પડતા તેમણે બુમો પાડતા નર્સિંગ સ્ટાફ, આયા દોડી આવ્યા હતા. અહી દુપટ્ટા અને સાડીથી કોર્ડન કરીને મહિલાની પ્રસૂતિ કરાવાઇ હતી. મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો. નર્સ હંસાબેન વસાવાએ નવજાતની પીઠ થપથપાવતા તે ભાનમાં આવ્યું હતું. બાદમાં ગાયનેક વિભાગના ડો.અંજની અને સ્ટાફે માતા-શિશુને વોર્ડમાં દાખલ કર્યા હતા. નવજાતનું વજન ૨ કિલો ૬૦૦ ગ્રામ છે. પૂનમબેનને સંતાનમાં ૪ વર્ષનો પુત્ર અને બે વર્ષની દીકરી છે. આજે ત્રીજા સંતાનને જન્મ આપ્યો હતો. પતિ મંડપ ડેકોરેશનનું કામ કરે છે.