હાલ 88 વર્ષની વયના વડીલ 11 વર્ષની વયે સરદાર પટેલની સભાના સાક્ષી બન્યા હતા
નવાબના પાકિસ્તાન સાથે જોડાવાના નિર્ણયથી અંધાધૂંધી ફેલાઈ હતી : અજાબના વતની વડીલના પરિવારે 60 વિઘા જમીન અને ઘરબાર મૂકી વીરપુર હિજરત કરી આશરો લેવો પડયો હતો
જૂનાગઢ, : 1947માં ભારત આઝાદ થયા બાદ જૂનાગઢના નવાબના પાકિસ્તાન સાથે જોડાવાના નિર્ણયના કારણે સમગ્ર જૂનાગઢ રાજ્યમાં અંધાધૂંધી ફેલાઈ હતી. આ સમયે કેશોદ તાલુકાના અજાબમાં રહેતા પરિવારે પોતાની 60 વિઘા જમીન, મકાન મૂકીને વિરપુર હિજરત કરીને જવું પડયું હતું. હાલ 88 વર્ષની વયે પહોંચેલા વડીલ તે સમયે સવા 11 વર્ષના હતા. આઝાદી મળ્યા બાદ તેઓ સરદાર પટેલ જૂનાગઢ આવ્યા ત્યારે તેઓને સાંભળવા મિત્રો સાથે જૂનાગઢ આવ્યા હતા અને તેઓએ સરદાર પટેલના જુસ્સાદાર ભાષણને સાંભળ્યું હતું.
સમગ્ર ભારત 15 ઓગસ્ટ 1947ના આઝાદ થયો હતો.પરંતુ જૂનાગઢના નવાબે દીવાન ભુટ્ટોની વાતોમાં આવી પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય કર્યો હતો.આથી સમગ્ર દેશમાં આઝાદીનો જશ્ન હતો પરંતુ જૂનાગઢ રાજ્યના લોકો ચિંતામાં મુકાયા હતા. નવાબના આ નિર્ણયના કારણે ચારે તરફ અંધાધૂંધી થઈ ગઇ હતી અને લોકોમાં ભય ફેલાયો હતો. આ સમયે અનેક પરિવારોએ હિજરત કરવી પડી હતી. તે સમયે કેશોદ તાલુકાના અજાબમાં રહેતા અને હાલ જૂનાગઢ રહેતા શશીકાંતભાઈ લા.દવેના પરિવારે પણ હિજરત કરવી પડી હતી. હાલ 88 વર્ષની વયે નિવૃત જીવન પસાર કરતા શશીકાંતભાઈ દવેએ જણાવ્યું હતું કે '15ઓગષ્ટથી 9 નવે.દરમ્યાન સમગ્ર જૂનાગઢ રાજ્યમાં જે સ્થિતી હતી તેનું વર્ણન શબ્દોથી વર્ણન થઈ શકે એમ નથી. એ સમયે અમારા પરિવારે 60 વિઘા જમીન,ઘરબાર મૂકીને હિજરત કરી વિરપુરમાં આશરો લીધો હતો. મને મારા કુટુંબી કાકા અમદાવાદ લઇ ગયા હતા. ચારે તરફ અફડાતફડી હતી. આખરે સરદાર પટેલની આગેવાનીમાં આરઝી હુકુમતના સેનાની શામળદાસ ગાંધી, રતુભાઈ અદાણી સહિતના સેનાનીઓએ જૂનાગઢનો કબ્જો લીધો અને જૂનાગઢ ભારતનું અવિભાજ્ય અંગ બન્યું. બાદમાં અમે અજાબ પરત આવ્યા હતા. થોડા દિવસો બાદ સરદાર પટેલ જૂનાગઢ બહાઉદિન કોલેજમાં આવ્યા હતા અને સમગ્ર મેદાન જનમેદનીથી ભરચકક હતું.' તેમણે ઉમેર્યું કે 'હું ત્યારે સવા અગિયાર વર્ષનો હતો અને મારા મિત્ર કે.કે.પીપળીયા અને વજુભાઈ કુંભાણી સાથે સરદાર પટેલને સાંભળવા આવ્યો હતો. સરદાર સાહેબે જુસ્સાભેર ભાષણ આપ્યું હતું, જેમાં જૂનાગઢ કોઈના બાપની જાગીર નથી એમ કહેતા જ હજારો લોકોની એકસાથે તાળીઓના ગડગડાટથી બહાઉદીન કોલેજનું મેદાન ગુંજી ઉઠયું હતું.'
ચિક્કાર ભીડના લીધે રેલવે લાઈન 3- 4 કલાક બંધ કરવી પડી હતી
આરઝી હુકુમતના સેનાનીઓએ જૂનાગઢનો કબ્જો લઈ લીધા બાદ સરદાર પટેલ બહાઉદીન કોલેજમાં આવ્યા ત્યારે સમગ્ર સોરઠમાંથી લોકો ઉમટી પડયા હતા. કોલેજના પટાંગણ મીટર ગેજ રેલવેટ્રેક પર પણ લોકોએ ઉભા રહી સરદારને સાંભળ્યા હતા. ચિક્કાર ભીડના કારણે આ ટ્રેક પર ત્રણ ચાર કલાક રેલવે લાઈન બંધ કરવી પડી હતી.