વડોદરા: ઐતિહાસિક લહેરીપુરા ગેટની નવી છતની ડિઝાઇન અઠવાડિયામાં મળી જશે
- ગેટ વધુ સારો દેખાય તે માટે નવા પ્રકારની ડિઝાઈન બનાવવા સુચના, છતનું સ્ટ્રક્ચર પણ હળવું રખાશે
- હાલ ગેટ પરથી કાટમાળ હટાવી જગ્યા સાફ કરી દેવાઈ છે, ડિઝાઇન મળતા ટૂંક સમયમાં કામગીરી શરૂ થશે
વડોદરા, તા. 11 મે 2022 બુધવાર
વડોદરા શહેરની મધ્યમાં આવેલા ઐતિહાસિક લહેરીપુરા ગેટની છત ગયા વર્ષે તૂટી પડયા બાદ તેનું રિપેરિંગ કરવા કામગીરી શરૂ કરતાં પૂર્વે કાટમાળ વગેરે હટાવી દેવાયું છે અને જગ્યા સાફ કરી દેવામાં આવી છે. ગેટ પર નવી છત બનાવવામાં આવશે અને આ માટેની ડિઝાઇન એક અઠવાડિયામાં મળી જશે.
કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આ અંગે જણાવ્યું હતું કે લહેરીપુરા ગેટ ટ્રાફિકથી વ્યસ્ત વિસ્તારમાં હોવાથી ઉપરથી કાટમાળ ખસેડી અને નીચે લાવવામાં અને હટાવવામાં મુશ્કેલી પડતી હોવાથી રાત્રે કાટમાળ અને કચરો હટાવી લેવાનું કાર્ય કર્યું હતું અને હાલ જગ્યા સાફ કરી દેવામાં આવી છે.
આર્કિયોલોજી વિભાગના માણસોને કોર્પોરેશનમાં ગઈ કાલે બોલાવ્યા હતા અને તેઓને છતની નવી ડિઝાઈન બનાવીને પૂરી પાડવાનું કહેતા એક અઠવાડિયામાં ડિઝાઈન મળી જશે તેમ જણાવાયું છે. ડિઝાઇન હવે કોઈ નવા જ પ્રકારની કરવા કહ્યું છે, જેથી લહેરીપુરા ગેટ વધુ સારી રીતે દીપી ઉઠે, તેમજ સ્ટ્રક્ચર પણ હળવું રાખવા કહ્યું છે. જેના લીધે ગેટના જુના સ્ટ્રક્ચર પર વધુ વજન ના આવે. નવી ડિઝાઈન મળતાં જ કામગીરી શરૂ કરી દેવામાં આવશે .
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા સપ્ટેમ્બર મહિનામાં ગેટની છત તૂટી ગઈ હતી. લહેરીપુરા ગેટના રિસ્ટોરેશનની કામગીરી આર્કિયોલોજી વિભાગ દ્વારા ડિપોઝીટરી વર્ક તરીકે થોડા વર્ષ અગાઉ કરવામાં આવી હતી. જે માટે કોર્પોરેશને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાને 75.14 લાખનું પેમેન્ટ કર્યું હતું.
ગયા વર્ષે છત તુટી ગયા બાદ કોર્પોરેશનની ટીમ અને આર્કિયોલોજી વિભાગની ટુકડીએ સાથે મળીને સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું. લહેરીપુરા ગેટ શહેરની મધ્યમાં અને ગીચ વિસ્તારમાં હોવાથી રિપેરિંગની કામગીરી જલ્દી અને વેળાસર કરી દેવા માટે વડોદરાના મેયરે થોડા દિવસ પહેલા આર્કિયોલોજી વિભાગને પત્ર લખીને તાત્કાલિક રીપેરીંગ કામ શરૂ કરી દેવા પણ અનુરોધ કર્યો હતો.