Get The App

નવી જંત્રીથી શહેર તેમજ આસપાસના વિસ્તારનો વિકાસ રૂંધાઈ જશે

Updated: Jan 18th, 2025


Google NewsGoogle News
નવી જંત્રીથી શહેર તેમજ આસપાસના વિસ્તારનો વિકાસ રૂંધાઈ જશે 1 - image


- સુરેન્દ્રનગર બિલ્ડર એસોસિએશને કલેકટરને રજૂઆત કરી

- જંત્રીના દરમાં જંગી વધારાનો વિરોધ : શહેરમાં જમીનના સોદા ઘટી ગયા

- સુરેન્દ્રનગરની ભૌગોલીક સ્થિતિને ધ્યાને લઈ માળ મુજબ જંત્રીના દરો નક્કી કરવાની માંગ કરી

સુરેન્દ્રનગર : રાજ્ય સરકાર દ્વારા જંત્રીના દરમાં અસહ્ય વધારો કરવામાં આવ્યો છે. આ જંત્રીના દરોમાં સુધારો કરવા તેમજ વાંધા સૂચનોની મુદત વધારવા માંગણી ઉઠવા પામી છે. સરકારે કરેલા જંત્રીના દરોના વધારા સામે ઝાલાવાડમાં વિરોધ ઉભો થયો છે. ત્યારે સુરેન્દ્રનગર-વઢવાણ બિલ્ડર એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને જરૂરી વાંધા તેમજ સુચનો અંગે જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને બિલ્ડરોના હિતને ધ્યાને લઈ યોગ્ય પગલા ભરવામાં આવે તેવી માંગ પણ કરી હતી.

જિલ્લા કલેકટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, તાજેતરમાં સરકાર દ્વારા નવી જંત્રી જાહેર કરવામાં આવી છે. જ્યારે એક વર્ષ પહેલા ડબલ જંત્રી કરવામાં આવી હતી ત્યારે પણ સુરેન્દ્રનગર વિસ્તારના મોટાભાગના વિસ્તારમાં બજાર કિંમત કરતા જંત્રી વધી ગઈ હતી અને હાલ તાજેતરમાં કરેલ જંત્રીનો ભાવ તેનાથી પણ અનેક ગણો વધારે રાખ્યો હોવાથી સુરેન્દ્રનગર શહેરનો વિકાસ અટકી જશે તેમજ શહેરની બહારના વિસ્તારનો પણ વિકાસ રૂંધાઈ જશે. 

દુધરેજની સીમમાં પહેલેથી જંત્રી વધારે હોવાથી એક વર્ષ પહેલા ડબલ જંત્રી થતા દુધરેજ બહારના વિસ્તારનો વિકાસ અટકી ગયો છે હાલ તેમાં પણ વધારો થતાં દુધરેજની સીમમાં જમીનની લે-વેચ સાવ બંધ થઈ જશે અને પરિણામે શહેરનો વિકાસ પણ અટકી જશે. નવા જંકશન પાછળ જ્યાં પ્લોટની કિંમત બજાર કિંમત મુજબ મીટરના ૧,૫૦૦થી ૨,૦૦૦ સુધી છે ત્યાં નવો ભાવ ૫,૦૦૦થી ૭,૦૦૦ નક્કી કરવામાં આવ્યો છે. આવી પરિસ્થિતિમાં જમીનના સોદા થતાં બંધ થઈ જશે. 

તેવી જ રીતે રતનપર બાયપાસ રોડ સહિતનો વિકસતો વિસ્તાર છે ત્યાં પણ નવા જંત્રીના ભાવ રૂા.૧૨,૦૦૦ થી ૧૩,૦૦૦ પ્રતિ મીટર નક્કી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જંત્રી માટે જે બ્લોક બનાવવામાં આવ્યા છે તે ખુબ જ મોટા હોવાથી બ્લોકની અંદર અનેક સર્વે નંબરોનો સમાવેશ થઈ જાય છે આથી રોડ પરની જગ્યા હોય તો તેની કિંમત આવતી હોય છે પરંતુ અંદરની જગ્યાની કિંમત રોડ સાઈડ જેવી આવતી નથી. આથી જંત્રી માટે નાના બ્લોક બનાવવાની પણ માંગ કરી હતી અને રોડ સાઈડ તેમજ અંદરની સાઈડના ભાવ અલગ-અલગ નક્કી કરવા પણ જરૂરી છે. 

આ સિવાય સુરેન્દ્રનગરની ભૌગોલીક સ્થિતિને ધ્યાને લઈ માળ મુજબ જંત્રીના દરો નક્કી કરવાની પણ માંગ કરી હતી અને સ્ટેમ્પ ટયુટી જે હાલ ૪.૯૦ ઘણી વધારે છે તેમાં પણ ઘટાડો કરી ૩ ટકા સ્ટેમ્પ ટયુટી કરવી જોઈએ અને સરકારની ઈમ્પેક્ટ ફીની યોજનામાં અરજદારે જંત્રી મુજબ જે રકમ ભરવાની થાય તેમાં નવી જંત્રી ગણવામાં ન આવે અને અરજદારે જ્યારે પ્લાન રજુ કર્યો હતો તે સમયની જંત્રી ગણવામાં આવે તેવી માંગ સાથે રજુઆત કરવામાં આવી હતી. આ તકે મોટીસંખ્યામાં બિલ્ડર એસોશીએસન સાથે જોડાયેલા બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો સહિત જમીન મકાનના લે-વેચ સાથે સંકળાયેલ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. 



Google NewsGoogle News