વેરાવળના વતનીએ વિદ્યાર્થીકાળમાં કાળી મજૂરી કરી ખુદના પૈસે રેડિયો વસાવ્યો
આજે વિશ્વ રેડિયો દિવસ નિમિતે રેડિયોપ્રેમી શ્રોતાની અવનવી વાતો : રેડિયો કલેકશનમાં દેશ વિદેશના અનેક રેડિયો સેટની હાજરી, વેરાવળને એફએમ રેડિયો સ્ટેશન મળે એ માટે વડાપ્રધાનને પોસ્ટકાર્ડ ઝૂબેશ દ્વારા રજુઆતો કરી હતી
પ્રભાસપાટણ, : આજે વિશ્વ રેડિયો દિવસ છે ત્યારે વેરાવળના રેડિયો પ્રેમીની રોચક વાતો પ્રકાશમાં આવી છે. આ રેડિયોપ્રેમીનેે વિદ્યાર્થીકાળમાં રેડિયો સાંભળવાનું ઘેલું લાગતા તેણે પિતાના નહી પણ ખુદના પૈસે રેડિયોસેટ વસાવવા માટે પ્રતિદિન 10 રૂપિયાના મહેનતાણાથી 24 દિવસ મજૂરી કરી રૂા. 240 એકત્ર કરી ખુદના પૈસે રેડિયો વસાવ્યો હતો.જે આજે પણ હયાત છે.
વેરાવળમાં રહેતા માલદેભાઈ કરશનભાઈ દાસા મહેર નામના રેડિયો પ્રેમીએ જુદી જુદી બ્રાન્ડના રેડિયોનું વૈવિધ્યસભર કલેક્શન એકત્ર કર્યુ છે. એમની પાસે હાલ અવનવા મોડેલના કુલ 150 જેટલા રેડિયો સેટ છે. એને વિદ્યાર્થીકાળથી જ રેડિયો પ્રત્યે ઘેલુ લાગ્યું હતુ. ખાસ કરીને કામ કરતા કરતા રેડિયો સાંભળતા રહે છે. એમણે પોતાના મોબાઈલ ફોનમાં આકાશવાણી રેડિયોસ્ટેશન ખુલવા પહેલા જે ટયુન સાંભળવા મળે છે એે જ ટયુન મોબાઈલ ફોનમાં રાખી છે. એમની પાસે હોલેન્ડના જર્મનીના તેમજ અન્ય દેશોના રેડિયો સેટ છે. વિદેશના રેડિયો સ્ટેશન અને અન્ય રાજ્યોના રેડિયો સ્ટેશન સાંભળવા માટે ઓરિસ્સાથી ખાસ પ્રકારનું એન્ટેના અગાસી પર ફિટ કરાવ્યું છે. જયારે વેરાવળમાં એફએમ રેડિયોસ્ટેશન ન હતા અને એફએમનો ક્રૈઝ સાંભળીને એ વેરાવળથી છેક રાજકોટ એફએમ રેડિયો સાભળવા ટ્રેનમાં બેસીને રાજકોટ આવી સાંજ સુધી રોકાઈને એફએમનો આસ્વાદ માણતા હતા. એ પછી વેરાવળમાં એફએમ સ્ટેશન સ્થપાય એ માટે એણે ઝુંબેશ શરૂ કરી હતી અને વડાપ્રધાનને જુદા જુદા લોકોએ કુલ 5000 પોસ્ટકાર્ડ લખીને માગણી બળવતર કરી હતી જે હવે સફળ થઈ છે.એમની પાસેના રેડિયોસેટને ચાલુ રાખવા દરેક રેડીયોને નીચે ઉતારી અને વગાડવામાં આવે છે. એક રેડિયો તેણે છેક દુબઈથી ખરીદ્યો હતો.