ગઢેચી શુધ્ધિકરણ પ્રોજેક્ટના મામલે મનપાની સાધારણ સભામાં ઉગ્ર ચર્ચા, કોંગ્રેસનો વોકઆઉટ
- મહાપાલિકાની સાધારણ સભામાં કોંગ્રેસે વોકઆઉટ કરતા ભાજપે એક જ મીનીટમાં ૪ ઠરાવને બહાલી આપી
- કંસારાનો પ્રોજેકટ હજુ પુરો થયો નથી ત્યાં ગઢેચી પ્રોજેકટના મામલે ૮પ૦ લોકોને નોટિસ આપી, દબાણ હટાવતા પૂર્વે રહીશો માટે વૈકલ્પીક વ્યવસ્થા કરવા કોંગ્રેસની માંગણી
ભાવનગર : ભાવનગર મહાપાલિકામાં આજે શુક્રવારે સાધારણ સભા મળી હતી, જેમાં ગઢેચી વોટર બોડીના શુધ્ધિકરણના પ્રોજેકટના મામલે ભાજપ-કોંગ્રેસના નગરસેવકો વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી અને ત્યારબાદ બોલતા રોકવામાં આવે છે તેવો આક્ષેપ કરી કોંગ્રેસના નગરસેવકોએ સાધારણ સભામાંથી વોકઆઉટ કર્યો હતો. આ પ્રશ્ને સામસામે આક્ષેપો કરવામાં આવ્યા હતાં. મહાપાલિકાની સાધારણ સભામાં વિપક્ષ કોંગ્રેસે વોકઆઉટ કરતા શાસક ભાજપે એક જ મીનીટમાં ૪ ઠરાવને બહાલી આપી હતી.
મહાપાલિકાના હોલ ખાતે આજે શુક્રવારે સાંજે મેયરના અધ્યક્ષ સ્થાને સાધારણ સભા મળી હતી. સાધારણ સભાના પ્રશ્નોત્તરીકાળ દરમિયાન મહાપાલિકાના ડ્રેનેજ વિભાગ હસ્તકના બાલયોગીનગર ખાતે આવેલા પમ્પીંગ સ્ટેશન અને મોટર સંપની કેટલા એમએલડીની કેપીસીટી છે, કેટલો વધારો કરવામાં આવ્યો, ડ્રેનેજ પાણી ખુલ્લામાં છોડવામાં આવે છે ? વગેરે સવાલ કોંગ્રેસ નગરસેવકે પુછયા હતા અને આ બાબતે અધિકારીએ જવાબ આપ્યા હતાં. ત્યારબાદ ડ્રેનેજની બાબતે ભાજપના નગરસેવકોએ કેટલાક પ્રશ્નો પુછયા હતા અને કામગીરી ઝડપી કરવા માંગણી કરી હતી. આ ઉપરાંત ગૌરીશંકર તળાવથી મોતીતળાવ, કુંભારવાડા સુધી શુધ્ધીકરણ પ્રોજેકટની કામગીરી કેટલા સમયમાં પૂર્ણ થશે, કેટલા દબાણ છે અને કેટલા દબાણકર્તાને નોટિસ આપી છે, કેટલુ દબાણ હટાવવામાં આવશે ? વગેરે સવાલ કોંગ્રેસ નગરસેવકે કર્યા હતાં. કંસારાનો પ્રોજેકટ હજુ પુરો થયો નથી ત્યાં ગઢેચી પ્રોજેકટના મામલે ૮પ૦ લોકોને નોટિસ આપી છે, દબાણ હટાવતા પૂર્વે રહીશો માટે વૈકલ્પીક વ્યવસ્થા કરો, વૈકલ્પીક વ્યવસ્થા નહીં કરાય તો આંદોલન કરાશે તેવી કોંગ્રેસ નગરસેવકેની ચીમકી આપી હતી. આ વિસ્તારમાં લોકો પ૦-૬૦ વર્ષથી રહે છે અને દબાણ હટાવવાથી તેઓ ઘર વિહોણા થઈ જશે તેમ કોંગ્રેસ નગરસેવકે જણાવ્યુ હતું. આ બાબતે ભાજપ-કોંગ્રેસના નગરસેવકો વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી.
કોંગ્રેસ વિકાસની વિરોધી છે તેવો ભાજપના નગરસેવકનો આક્ષેપ કર્યો હતો, જયારે ભાજપ ગરીબ વિરોધી છે તેવો આક્ષેપ કોંગ્રેસ નગરસેવકે કર્યો હતો. વૈકલ્પીક વ્યવસ્થાના મામલે અધિકારીએ જણાવ્યુ હતુ કે, મકાનના માલિક અથવા ભાડે રહેતા લોકો માટે વૈકલ્પીક વ્યવસ્થા કરાશે નહીં પરંતુ તેઓને આવાસ યોજના મકાન લઈ લેવા સમજણ આપવામાં આવશે. ગઢેચી શુધ્ધિકરણ પ્રોજેકટના દબાણ મામલે ચર્ચા ચાલી રહી હતી અને ત્યારે મેયરે પ્રશ્નોત્તરીનો સમય પૂર્ણ થયો છે તેમ કહેતા સાધારણ સભામાં બોલવા પણ દેતા નથી તેમ કહી કોંગ્રેસ નગરસેવકોએ વોકઆઉટ કર્યો હતો. કોંગ્રેસ નગરસેવકોએ વોકઆઉટ કરતા ભાજપે સાધારણ સભામાં ફુડ સેમ્પલના પૃથ્થકરણ માટે લેબોરેટરી માટેની ગ્રાન્ટ આવ્યા બાદ કર્મચારીઓની ભરતી કરવી, નવા બંદર પ્રાથમિક શાળાને નવા ભળેલા અકવાડા ગામમાં સમાવિષ્ટ થતો હોય, આ શાળા ભાવનગર મહાનગરપાલિકા સંચાલીત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર હસ્તક સંભાળવાની મંજુરી આપવી, બે કર્મચારીઓને આર્થિક સહાય ચુકવવી વગેરે ચાર ઠરાવને એક જ મીનીટમાં મંજૂરી આપી સાધારણ સભા પૂર્ણ કરી દેવામાં આવી હતી.
શહેરમાં ડ્રેનેજ અને સ્ટ્રોમ લાઈનના પ્રશ્ને શાસક ભાજપના નગરસેવકોએ જ પોલ ખોલી
ભાવનગર શહેરમાં ભાજપ દ્વારા વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ જમીની હકીકત અલગ હોય છે. આ મામલે વિપક્ષ સવાલ ઉઠાવે છે પરંતુ હવે ભાજપના નગરસેવકો પણ પ્રશ્ન કરવા લાગ્યા છે અને કામગીરીની પોલ ખોલી રહ્યા છે, આવુ જ આજે મહાપાલિકાની સાધારણ સભામાં જોવા મળ્યુ હતું. સાધારણ સભામાં કોંગ્રેસ નગરસેવકો બાદ ભાજપના નગરસેવકોએ ડ્રેનેજ અને સ્ટોમ લાઈનના પ્રશ્ન ઉઠાવ્યા હતાં. કંસારા પ્રોજેકટમાં કરોડો રૂપીયા નાખવામાં આવ્યા છતાં ગંદા પાણીનો નિકાલ થતો નથી, વનસ્પતી ઉગી જાય છે. દુર્ગધના કારણે રહીશો ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે આ અંગે તત્કાલ પગલા લેવા ભાજપના નગરસેવકે માંગણી કરી હતી. આ ઉપરાંત અધેવાડાની સોસાયટી, ટોપ-થ્રી પાસેની સોસાયટીઓના ડ્રેનેજ, સ્ટોમ લાઈનના પ્રશ્ન પુછવામાં આવ્યા હતાં. ઘોઘાસર્કલ વોર્ડના બાલયોગીનગર, સોમનાથનગર, બળવંતરાય સોસાયટીમાં પણ ડ્રેનેજ અને વરસાદી પાણીનો પ્રશ્ન હોવાનુ ભાજપ નગરસેવકે જણાવ્યુ હતું. ચિત્રા-ફુલસર વોર્ડમાં કેટલાક વિસ્તારમાં ખુલ્લી ગટરો છે તેથી પગલા લેવા ભાજપ નગરસેવકે જણાવ્યુ હતું. આમ, સાધારણ સભામાં ભાજપના નગરસેવકોએ જ ડ્રેનેજ અને સ્ટોમ લાઈન કામના પ્રશ્ન ઉઠાવી પોલ ખોલી હતી. મનપાના અધિકારીઓએ યોગ્ય કરવા જણાવેલ છે પરંતુ આ પ્રશ્ન કયારે હલ થશે ? તેની રાહ જોવી જ રહી.