યાર્ડમાં સૌથી મોંઘી જણસી વટાણાં! મણના અધધ 5500ના ભાવે સોદા
સીમલાથી રાજકોટ આવતા વટાણાં ફરસાણ કરતા મોંઘા : વરસાદના વિરામથી અન્ય શાકભાજીની આવક વધી,વાવેતર પૂષ્કળ હોય દિવાળી સુધીમાં આવક વધવાની સાથે ભાવ ઘટશે
રાજકોટ, : રાજકોટ યાર્ડમાં લીલા વટાણાના ભાવ રેકોર્ડ ઉંચાઈએ પહોંચ્યા છે. આજે યાર્ડમાં આવતી કપાસ, મગફળી તો દૂર, જીરૂ,રજકાનું બી જેવી મોંઘી જણસી કરતા પણ વટાણાના ભાવ ઉંચા, પ્રતિ મણ રૂ।. 4000થી 5500ના ભાવ નોંધાયા છે. યાર્ડના સૂત્રો અનુસાર શિયાળામાં રૂ।. 400થી 600ના ભાવ રહેતા હોય છે પરંતુ, હાલ માલની તંગી હોય ભાવ ઘણા ઉંચા છે. લીલા વટાણા છેક સીમલાથી મંગાવવામાં આવે છે અને તેનો જથ્થો બગડી જાય તે પોષાય તેમ ન હોય જરૂર પુરતો અને ઓર્ડર મૂજબ જ માલ મંગાવાય છે. ભાવ ઉંચા રહે છે. સૌરાષ્ટ્રમાં શાક,સેન્ડવીચ સહિત અનેક વાનગીમાં વટાણાંનો ઉપયોગ થતો હોય છે.
ગુજરાતમાં ચોમાસાની ખરીફ ઋતુમાં શાકભાજીનું 2.63 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે જે નોર્મલ કરતા 5 ટકા વધારે છે. હાલ વરસાદનો વિરામ હોવાથી અન્ય શાકભાજીની આવક વધવા લાગી છે અને દિવાળી સુધીમાં ધૂમ આવક થવા સાથે શાકભાજી વધુ સસ્તુ થવાની આશા છે. રીંગણા, કોબીજ, મુળા, ફ્લાવર, ટીંડોળા, ગલકાં, લીલી ડુંગળી, લીલા મરચાં, લીલી મકાઈ સહિતની શાકભાજીના મણ દીઠ રૂ।. 2000થી 5000ની રેન્જમાં ભાવ મળે છે.