ધારાસભ્યએ કહ્યું 'હજુ થોડી તકલીફ સહી લેજો', પૂરપીડિતો ધૂંઆપૂંઆ

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
ધારાસભ્યએ કહ્યું 'હજુ થોડી તકલીફ સહી લેજો', પૂરપીડિતો ધૂંઆપૂંઆ 1 - image


પોરબંદરમાં 5 દિવસ બાદ પણ લોકોનાં ઘરમાંથી પાણી ઓછાં થયા નહીં : બંધ પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લીધા બાદ મોઢવાડિયાએ આશ્વાસન આપ્યું : પણ લોકોએ તેની સમક્ષ આક્રોશ ઠાલવ્યો

Porbandar Heavy Rain : પોરબંદરમાં પાંચ દિવસ પહેલા પડેલા ભારે વરસાદના કારણે છાયા ચોકી અને પક્ષી અભ્યારણ્ય સહિત છાયાના પંચાયત ચોકી સુધીના અનેક મકાનોમાં વરસાદ અને ગટરના પાણી ભરાઇ ગયા છે, જેનો નિકાલ હજુ સુધી થયો નથી ત્યારે ધારાસભ્યએ આ વિસ્તારની મુલાકાત લીધી હતી, જે દરમિયાન લોકોએ ભારે આક્રોશ ઠાલવ્યો હતો.

ધારાસભ્ય હવે ભાજપમાં હોવાથી 'સરકાર તમારી સાથે જ છે.' તેમ તો કહ્યું, પરંતુ સાથોસાથ તેમણે 'તમે હજુ થોડો સમય આ તકલીફ સહન કરજો' તેવા ઉચ્ચારણો કરતાં તેમને ચૂંટી કાઢનારા મતદારોમાં ઉકળાટ જોવા મળ્યો હતો.

પાલિકાના તંત્રની બેદરકારીના કારણે પાંચ-પાંચ દિવસથી હજારો લોકો ગટરના ગંદા પાણીમાં જીવી રહ્યા છે. પંપીંગ સ્ટેશનો બંધ હોવાથી વરસાદી પાણીનો નિકાલ થયો નહીં હોવાના કારણે આ આફત સર્જાઇ છે. ત્યારે પાલિકાની બેદરકારીની પોલ ખૂલ્યા બાદ ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ પણ પમ્પિંગ સ્ટેશનોની મુલાકાત લીધી હતી, અને જણાવ્યું હતુ કે 'જેટલી બને તેટલી ઝડપથી પાણીનો નિકાલ કરવામાં આવશે, તમે ખૂબ જ ધીરજ ધરી છે, સહન કર્યુ છે, સહકાર આપ્યો છે ત્યારે મારી વિનંતિ છે કે હજુ થોડો સમય આપ તકલીફ સહન કરી લેજો' ધારાસભ્યના આ ઉચ્ચારણોથી લોકોને ભારે આશ્ચર્ય થયું હતું.

મુખ્યમંત્રી અને સરકાર પોરબંદરની સાથે જ છે તથા પાણીનો નિકાલ થઇ જશે તેવું આશ્વાસન ધારાસભ્યએ આપ્યુ હતુ પરંતુ પાંચ દિવસ પછી વરસાદી પાણી ઉતર્યાં નથી અને હજુ વધુ વરસાદ વરસવાનું ચાલુ છે ત્યારે પાણીનો નિકાલ કયારે થશે તેવું લોકો પૂછી રહયા છે.

આ વિસ્તારનાં અમુક મહિલાઓએ એવું જણાવ્યુ હતુ કે ઘરમાં ભરાયેલા ગોઠણડુબ પાણી અંગે પાલિકાના તંત્રને રજૂઆત કરવા છતા નિકાલ થયો નથી. પાલિકાના પ્રમુખે તો 'દરિયામાંથી પાણી પાછા આવી રહ્યા છે.' તેવુ જણાવ્યું હતું તો એક સુધરાઇ સભ્યએ તો ફોન પર ગાળો પણ દીધી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. 


Google NewsGoogle News