Get The App

ભાવનગરમાં ગરમીનો પારો 42.2 ડિગ્રી, આભમાંથી અગનવર્ષા વરસી

Updated: Apr 15th, 2025

GS TEAM


Google News
Google News
ભાવનગરમાં ગરમીનો પારો 42.2 ડિગ્રી, આભમાંથી અગનવર્ષા વરસી 1 - image


- રાજ્યના ગરમ શહેરોમાં અમદાવાદ, ગાંધીનગર બાદ રાજકોટની સાથે ભાવનગર ત્રીજા સ્થાને

- 24 કલાકમાં ગરમીનો પારો 4 ડિગ્રી ઉંચકાઈ જતાં સિઝનનું સૌથી ઉંચુ તાપમાન નોંધાયું, અંગ દઝાડતા તાપથી નગરજનો હાશતોબા પોકારી ગયા : આજથી ત્રણ દિવસ જિલ્લાના દરિયાઈ વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાના સંકેત

ભાવનગર : ૪૨.૨ ડિગ્રી સાથે ભાવનગરના આભમાંથી અગનવર્ષા વરસી હતી. સિઝનમાં પ્રથમ વખત ગરમીનો પારો ૪૨ ડિગ્રીને વટાવી જતાં અંગ દઝાડતા તાપથી નગરજનો હાશતોબા પોકારી ગયા હતા. કાળઝાળ ગરમીના કારણે બપોરે ઘરની બહાર નીકળવું દુશ્વાર બની ગયું હતું. તો રાત્રે પણ દિવાલોમાંથી ગરમ વરાળ નીકળતી હોય, લોકો બફારાથી ત્રસ્ત થયા હતા.

શહેરમાં સપ્તાહના આરંભે જ કાળઝાળ ગરમીનો રાઉન્ડ શરૂ થયો હતો. પાછલા ૨૪ કલાકમાં ગરમીનો પારો સડસડાટ ચાર ડિગ્રી ઉંચકાઈ જતાં ઉનાળાની સિઝનનું સૌથી ઉંચુ ૪૨.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આજે સોમવારે રાજ્યના ગરમ શહેરોમાં અમદાવાદ (૪૨.૯ ડિગ્રી), ગાંધીનગર (૪૨.૫ ડિગ્રી) બાદ ભાવનગર અને રાજકોટ (૪૨.૨ ડિગ્રી) સંયુક્ત રીતે ત્રીજા સ્થાને રહ્યું હતું. સવારથી જ સૂર્યનારાયણ આકરા મિજાજમાં હોય, અંગ દઝાડતા તાપનો અનુભવ થયો હતો. ગરમીનો પારો સામાન્યથી સરેરાશ ૪.૩ ડિગ્રી ઉંચો રહ્યો હતો. તેમજ ૧૮ કિ.મી.ની ઝડપે ગરમ અને લૂ સાથેનો પવન ફૂંકાયો હતો. તેના કારણે બપોરના સમયે રસ્તાઓ ઉપર વાહનોની ચહલ-પહલ ઓછી જોવા મળી હતી. હવામાન વિભાગે આગામી ત્રણ-ચાર દિવસમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધશે અને ૧૭મી સુધી મહત્તમ તાપમાન ૪૧થી ૪૫ ડિગ્રી સુધી રહે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી છે. ત્યારે એપ્રિલ માસના મધ્યચરણમાં બળબળતો તાપ વરસી રહ્યો છે, હજુ આગામી દિવસો વધુ કપરા બનશે તેવું લાગી રહ્યું છે. જ્યારે આવતીકાલ તા.૧૫-૪થી ત્રણ દિવસ સુધી જિલ્લાના દરિયાઈ વિસ્તારોમાં ગરમ અને ભેેેજવાળું હવામાન રહેવાના હવામાન વિભાગે સંકેત આપ્યા છે. જેથી દરિયાઈ કાંઠા વિસ્તાર આસપાસ રહેતા લોકોને આકરી ગરમી અને બફારાનો સામનો કરવો પડી શકે છે. વધુમાં પાછલા ૨૪ કલાકમાં લઘુતમ તાપમાન પણ દોઢ ડિગ્રી વધીને ૨૪.૮ ડિગ્રીએ પહોંચી ગયું હતું.

છેલ્લા એક સપ્તાહમાં નોંધાયેલું તાપમાન

તારીખ

મહત્તમ 

લઘુતમ

 

તાપમાન

તાપમાન

૦૮-૪

૩૯.૪

૨૯.૪

૦૯-૪

૪૧.૨

૨૮.૨

૧૦-૪

૩૯.૨

૨૬.૫

૧૧-૪

૩૯.૦

૨૩.૨

૧૨-૪

૩૭.૧

૨૪.૩

૧૩-૪

૩૮.૨

૨૪.૩

૧૪-૪

૪૨.૨

૨૪.૮

Tags :