જામનગરમાં કાતિલ બર્ફીલા ઠંડા પવને શહેરીજનોને ધ્રુજાવ્યા : ઠંડીનો પારો 14.2 ડિગ્રીએ નીચે સરક્યો
Winter Season in Jamnagar : જામનગર શહેર અને જિલ્લામાં ધીમે ધીમે શિયાળો જામતો જાય છે, અને કડકટથી ઠંડી પડી રહી છે. ઠંડીનો પારો 14.2 ડિગ્રી આસપાસ નીચે ચાલ્યો ગયો છે, ઉપરાંત સાથો સાથ પ્રતિ કલાકના 35 થી 40 કિ.મીની ઝડપે ફૂંકાઈ રહેલા બર્ફીલા ઠંડા પવને શહેરીજનો તેમજ પશુ પક્ષીઓને પણ ધ્રુજાવ્યા છે.
ગઈકાલે સાંજે એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો, અને પ્રતિ કલાકના 35 થી 40 કિ.મીની ઝડપે ઠંડો પવન કુંકાતા ઠંડીની ધ્રુજારી અનુભવાઇ હતી, અને રાત્રિના સમયે માર્ગો સુમસામ જોવા મળતા હતા. ઉપરાંત મહત્તમ તાપમાનનો પારો પણ ધીમે ધીમે નીચે ઉતરીને 25.5 ડીગ્રીએ સ્થિર થયો હતો, જેથી સમગ્ર દિવસ દરમિયાન વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી.
જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવાયા અનુસાર આજે સવારે 8.00 વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 14.2 ડિગ્રી સેન્ટીગ્રેડ, જ્યારે મહત્તમ તાપમાન 25.5 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 54 ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 35 થી 40 કિ.મીની ઝડપે રહી હતી.