તપન પરમાર મર્ડર કેસના આરોપીની જેલમાં માનસિક હાલત લથડી
૩૦ દિવસના વચગાળાના જામીન મેળવવા કોર્ટમાં અરજી
વડોદરા,જપના પૂર્વ કોર્પોેરેટરના પુત્ર તપન પરમારની હત્યાના કેસમાં પોલીસે ૧૦ આરોપીની ધરપકડ કરી છે. તમામ આરોપીઓ હાલમાં જેલમાં છે. જે પૈકીના એક આરોપીએ માનસિક બીમારી હોવાનું જણાવી વચગાળાના જામીન માટે કોર્ટમાં અરજી કરી છે.
ગત તા.૧૭ ની રાતે નાગરવાડા નવી ધરતી વિસ્તારમાં વિક્કી પરમાર નામના યુવક પર બાબર પઠાણે ચાકુથી હુમલો કરતા તેને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. વિક્કી પરમારની ખબર જોવા માટે તેના મિત્રો મિતેશ રાજપૂત, ધારક રાણા તથા તપન પરમાર બાઇક લઇને સયાજી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર વિભાગમાં ગયા હતા. અડધો કલાક સુધી તેઓ ત્યાં ઉભા રહ્યા હતા. ત્યારબાદ ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશભાઇ પરમારના પુત્ર તપને કહ્યું કે, ચાલ આપણે કેન્ટીનમાં ચા પીવા માટે જઇએ. તે સમયે જ બાબર પઠાણ અને તેના સાગરીતોએ આવી તપન પરમારને રહેંસી નાંખ્યો હતો. આ કેસમાં પોલીસે ૧૦ આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે. જે પૈકી એક આરોપીએ વકીલ મારફતે કોર્ટમાં વચગાળાના જામીન મેળવવા માટે અરજી કરી છે. જેમાં જણાવ્યું છે કે, તે જેલમાં બિનજરૃરી તથા અસંગત વાતો કરે છે. જમવાનું ત્યજી દે છે.કોઇપણ વ્યક્તિ પર કારણ વગર ઉશ્કેરાઇ જાય છે. જેલમાં નિયમિત ખોરાક લેતા નથી. જેલ સત્તાવાળા યોગ્ય અને જરૃરી સારવાર કરાવતા નથી. તેની બીમારી વધી જાય તો પોતાને અથવા અન્યને જાનહાનિ થાય તેવી શક્યતા છે. આગામી તા.૫ મી એ જામીન અરજીની વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.