Get The App

પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે 28 ડિસેમ્બરે યોજાનારી બેઠકમાં શહેર પ્રમુખ માટે માપદંડ નક્કી કરશે

Updated: Dec 27th, 2024


Google NewsGoogle News
પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે 28 ડિસેમ્બરે યોજાનારી બેઠકમાં શહેર પ્રમુખ માટે માપદંડ નક્કી કરશે 1 - image


સુરત ભાજપના વોર્ડ પ્રમુખના નામની જાહેરાત સાથે જ વિવાદ ઉભો થયો છે જોકે, આ વિવાદ સાથે આગામી દિવસોમાં સુરત શહેર પ્રમુખ માટેનું કાઉન્ટ ડાઉન શરુ થઈ ગયું છે.  28 ડિસેમ્બરે  પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે યોજાનારી બેઠકમાં શહેર પ્રમુખ માટે માપદંડ નક્કી કરશે તેથી સાથે પ્રમુખના નામની જાહેરાત પણ નજીકના દિવસોમાં કરી દેવા માટે કવાયત શરૂ થઈ છે. ભાજપમાં ચાલતી ચર્ચા મુજબ  શહેર પ્રમુખ ની જાહેરાત થશે તેમાં સી.આર. પાટીલનો હાથ ઉંચો રહી શકે છે.  જોકે, મૂળ સુરતી પ્રમુખ આવશે કે સૌરાષ્ટ્રીયન તે અંગે ચાલી રહી છે અનેક અટકળો સાથે નામ પણ ચર્ચાઈ રહ્યાં છે. 

સુરત શહેરમાં હાલમાં 30 વોર્ડના પ્રમુખ ની જાહેરાત કરી દેવામાં આવી છે. જોકે, 30માંથી પાંચ વોર્ડ પ્રમુખ જાહેર કરવામા આવ્યા છે તેમની સામે ભાજપ વિરોધ માં કામ કરવા તથા અન્ય આક્ષેપ કરવામાં આવ્યા છે. આ વિવાદ વચ્ચે આગામી 28 ડિસેમ્બર ના રોજ ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે એક મહત્વની બેઠક મળવા જઇ રહી છે. આ બેઠકમાં શહેર અને જિલ્લાના પ્રમુખ માટેના ક્રાઈટેરિયા નક્કી કરવામાં આવશે. ત્યારબાદ અંગ્રેજી મહિનાનું નવું વર્ષ શરુ થશે તેના પખવાડિયામાં જ સુરત શહેરને નવા પ્રમુખ મળી શકે છે. 

સુરતના તમામ 30 વોર્ડના પ્રમુખ ની જાહેરાત થઈ ગઈ છે અને આગામી દિવસમાં શહેર પ્રમુખ માટેની જાહેરાત થશે તેમાં શહેર પ્રમુખ મૂળ સુરતીને બનાવશે કે સૌરાષ્ટ્રીયનને તે માટે પણ અનેક અટકળો શરૂ થઈ છે. આ ઉપરાંત પહેલી વાર મહિલાને પણ પ્રમુખ બનાવી શકાય તેવી ચર્ચા પણ રાજકારણમાં સાંભળવા મળી રહી છે. 

સુરત ભાજપ પ્રમુખ તરીકે સી.આર. પાટીલનું વર્ચસ્વ રહે તો તેમના ખાસ વિશ્વાસુ એવા પરેશ પટેલ પ્રમુખ બની શકે છે. આ ઉપરાંત સુરતી તરીકે  કેયુર ચપટવાલા, શૈલેષ જરીવાલા, નિરવ શાહ, અનિલ ગોપલાણી સાથે મહિલા દાવેદાર તરીકે પૂર્વ મેયર હેમાલી બોઘા વાલાના નામની પણ ચર્ચા થઈ રહી છે. જ્યારે બીજી તરફ સુરત ભાજપ પ્રમુખ માટે સૌરાષ્ટ્રીયન લોબી પણ મજબુત દાવેદારી કરી રહી છે જેમાં પુર્વ ધારાસભ્ય જનક બગદાણા વાળા,  બાબુ જીરાવાલા, લલીત વેકરીયા, દિનેશ જોધાણી ના નામ ચર્ચાઇ રહ્યાં છે. 

સુરતી અને સૌરાષ્ટ્રીયન સાથે દાવેદારોની જોરશોરમાં ચર્ચા ચાલી રહી છે  જોકે, આ  ચર્ચામાં નામ ચાલે છે તે પ્રમુખ આવશે કે કોઈ નવું જ યંગ જનરેશન આવે છે તે તો પ્રમુખની જાહેરાત થશે ત્યારે જ ખબર પડશે. 


Google NewsGoogle News